Gandhinagar News: ગાંધીનગરમાં સરકારી કર્મચારી દ્વારા ઉચ્ચતર પગાર ધોરણનો લાભ (Higher Pay Scale Benefit) મેળવવા બોગસ CCC સર્ટિફિકેટ (Fake CCC Certificate) રજૂ કર્યાનો મામલો સામે આવ્યો છે. માણસા તાલુકાના ખરણા ઉપકેન્દ્ર ખાતે ફરજ બજાવતા પશુધન નિરીક્ષક વિપુલકુમાર પટેલ સામે આક્ષેપ છે કે તેમણે કમ્પ્યુટર કૌશલ્યનું બનાવટી પ્રમાણપત્ર સરકારી કચેરીમાં રજૂ કરીને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સરકારના આદેશથી પ્રમાણપત્રોની ક્રોસ તપાસ હાથ ધરવામાં આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Fake CCC Certificate: ઓનલાઈન ચકાસણી દરમિયાન CCC સર્ટિફિકેટ ન મળ્યું
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પશુપાલન વિભાગના ઓક્ટોબર 2025ના પરિપત્રના (Government Employee Case) આધારે વિભાગ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓનાં કમ્પ્યુટર કૌશલ્યનાં પ્રમાણપત્રોની ખરાઈ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન જુનિયર ક્લાર્ક કાજલબેન દેસાઈએ ઓનલાઈન પોર્ટલ પર તપાસ કરતાં પશુધન નિરીક્ષક વિપુલકુમાર પટેલનું CCC સર્ટિફિકેટ દેખાયું નહોતું. આથી પ્રમાણપત્રની અધિકૃતતા અંગે શંકા ઊભી થઈ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત કાઉન્સિલે પ્રમાણપત્ર બનાવટી હોવાનું જણાવ્યું
પ્રમાણપત્રની ખરાઈ માટે ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ, ગાંધીનગરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કાઉન્સિલે પત્ર દ્વારા સ્પષ્ટતા કરી હતી કે વિપુલકુમાર પટેલે રજૂ કરેલું પ્રમાણપત્ર ખોટું અને બનાવટી છે.
ખાતાકીય તપાસ દરમિયાન પ્રમાણપત્રમાં દર્શાવેલી પરીક્ષાની તારીખ 24 ઓક્ટોબર, 2010ના રોજ પરીક્ષા યોજાઈ જ ન હોવાનું પણ સામે આવ્યું હતું. આ વિગતોના આધારે પ્રમાણપત્રની વિશ્વસનીયતા અંગેના આક્ષેપોને વધુ બળ મળ્યું હતું.
ઉચ્ચતર પગારનો લાભ મેળવવા પ્રમાણપત્ર રજૂ કર્યાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના રહેવાસી વિપુલકુમાર પટેલે ઉચ્ચતર પગાર ધોરણનો આર્થિક લાભ મેળવવાના ઇરાદાથી આ પ્રમાણપત્ર સરકારી દફતરે રજૂ કર્યું હતું.
મામલો સામે આવ્યા બાદ પશુપાલન નિયામકની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાયબ પશુપાલન નિયામક ડૉ. સુકેતુકુમાર બાબુલાલ ઉપાધ્યાયે ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં (Sector 7 Police) સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
સેક્ટર-7 પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી
સરકારી કર્મચારી દ્વારા પ્રમાણપત્રની ખરાઈમાં ગેરરીતિનો મામલો સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ આ કેસમાં ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપ અંગે અંતિમ નિર્ણય તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ થશે.
આ પણ વાંચો: મહેસાણામાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ: સિવિલ હોસ્પિટલના નકલી સિક્કા અને સહીનો ખેલ બહાર આવ્યો
આ પણ વાંચો: હિંમતનગરમાં બોગસ આધાર અને સર્ટિફિકેટ બનાવતા ઓપરેટરો ઝડપાયા
આ પણ વાંચો: બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવનારા 9 ઓફિસરો ટર્મિનેટ
