Gandhinagar News/ ગાંધીનગરના ખેડૂત અમૃત પટેલે ખેતીને માત્ર પેટ ભરવાનું સાધન નહીં, પણ સમૃદ્ધિનું માધ્યમ બનાવ્યું…

ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામના ખેડૂત અમૃત પટેલે ટેક્નોલોજી અપનાવી અને બાગાયત ખેતીની નવી ક્ષિતિજો સર કરીને ખેતીને સમૃદ્ધિનું માધ્યમ બનાવ્યું…

Gujarat Gandhinagar

Gandhinagar News: એવું કહેવાય છે કે, “જે ખેડૂત ટેક્નોલોજીનો હાથ પકડે છે, તે માત્ર પાક નથી ઉગાડતો, પણ સમૃદ્ધિનું ભવિષ્ય રોપે છે.” આ વાતને ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામના એક ખેડૂત, અમૃત પટેલે (Amrut Patel) ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. અમૃત પટેલ પરંપરાગત ખેતીની સીમાઓ તોડીને અને બાગાયત ખેતીની નવી ક્ષિતિજો સર કરીને આજે અનેક ખેડૂતો (Farmers) માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. પરંપરાગત ખેતીથી બાગાયત ખેતી (Horticulture) તરફ તેમની આ સફર માત્ર આવક વધારવાની નહિ, પરંતુ આધુનિક ખેતી (Modern agriculture) તરફનું એક પ્રેરણાદાયી પરિવર્તન હતું.

* અમૃતભાઈએ પોતાની 7 હેકટર જમીનમાં બાગાયતી ખેતી કરીને પ્રથમ ત્રણ વર્ષમાં જ રૂ.42 લાખ આવક અને રૂ. 27 લાખનો ચોખ્ખો નફો રળ્યો

* વર્ષ 2024-25માં જ આ પ્રગતિશીલ ખેડૂતે રૂ. 18 લાખની આવક અને 50 ટકા એટલે કે, રૂ. 9 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો

ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામ (Chandrala Village, Gandhinagar District)ના આ ખેડૂતે જણાવ્યું હતું કે, જ્ઞાન, સરકારી સહાય અને ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગથી ખેતીને સમૃદ્ધિનું સન્માનજનક માધ્યમ બનાવી શકાય છે.

વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં આવકની અનિશ્ચિતતા

લગભગ 7 હેકટર જેટલી જમીન ધરાવતા અમૃત પટેલ ઘણા વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં આવક (Income)ની અનિશ્ચિતતા અને પરંપરાગત ખેતીની મર્યાદાઓમાં બંધાયેલા રહ્યા. વર્ષ 2019 પહેલા અમૃતભાઈ અન્ય ખેડૂતોની જેમ શાકભાજી જેવા વિવિધ પાકોની પરંપરાગત ખેતી કરતા હતા. પરંપરાગત ખેતીના પાકોમાં રોજે-રોજની દોડધામ, ભાવની વધઘટ અને પાક નિષ્ફળ જવાનો ડર હંમેશા માથે રહેતો હતો, જેના પરિણામે તેમની આંખોમાં સપનાં અને હાથમાં મહેનત સિવાય ક્યારેક નિરાશા પણ દેખાતી હતી. અમૃત પટેલ અંદરથી જાણતા હતા કે, કંઈક બદલવાની જરૂર છે; ખેતી (Farming)ને માત્ર પેટ ભરવાનું સાધન નહીં, પણ સમૃદ્ધિ (Prosperity)નું માધ્યમ બનાવવાની જરૂર છે.

ગુજરાત સરકારની બાગાયત કૃષિ લક્ષી યોજનાઓ અપનાવી

અમૃતભાઈને બાગાયતી પાકોમાં પહેલેથી જ ઊંડો રસ હતો. વર્ષ 2019માં તેમને વિવિધ માધ્યમો થકી ગુજરાત સરકાર (Gujarat Government)ની વિવિધ બાગાયત કૃષિ લક્ષી યોજનાઓ અંગે માહિતી મળી. બસ પછી શું? તેમણે નક્કી કરી લીધું કે, હવે શાકભાજી અને પરંપરાગત ખેતીની જગ્યાએ ફળ અને બાગાયતી પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. આ પરિવર્તન લાવવા માટે તેમણે અંગત રસ લઈને બાગાયત ખાતાનો સહારો લીધો. સરકારી યોજનાઓએ તેમને એક એવી છત્રછાયા આપી, જેના હેઠળ તેઓ આધુનિક પદ્ધતિઓ અપનાવી શક્યા.

તેમણે વર્ષ 2019-20થી પ્રથમવાર પોતાની 7 હેક્ટર જમીન પર સંપૂર્ણપણે બાગાયતી ખેતી શરૂ કરી દીધી. તેમણે પ્રથમ ત્રણ વર્ષમાં જામફળ, તરબૂચ અને સક્કર ટેટીની વિવિધ જાતોની ખેતી કરી. બાગાયત ખાતા તરફથી તેમને આ ફળપાકોના વાવેતરમાં સહાય, વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર, મલ્ચિંગ અને પેકિંગ મટિરિયલ્સની પણ મદદ મળી. આ સહાયે તેમનો આત્મવિશ્વાસ ખૂબ જ વધાર્યો, જે માત્ર પૈસાથી નહીં, પણ સન્માનથી પણ માપી શકાય તેમ હતો.

બાગાયત ખાતા તરફથી પેકિંગ માટે રૂ. 7,500 સુધીની સહાય

આજે અમૃતભાઈ તેમની 7 હેકટર જમીનમાં જામફળ અને લીંબુ (Guava & Lemon) સહિતના બાગાયતી પાકોની સફળ ખેતી કરી રહ્યા છે. જેમાં તેમને બાગાયત ખાતા તરફથી ફળ પાકોના પેકિંગ (Fruit Packaging) માટે પ્રતિ હેકટર આશરે રૂ. 7,500 સુધીની સહાય પણ મળી છે. આ સહાયના માધ્યમથી તેઓ તેમના ખેતરમાં ઉત્પાદિત ફળનું આકર્ષક અને સુરક્ષિત પેકેજીંગ કરીને અમદાવદ અને ગાંધીનગરના વિવિધ બજારોમાં તેનું વેચાણ કરીને એક સન્માનજનક આવક મેળવી રહ્યા છે.

આવક અને ખર્ચ કાઢતા લગભગ 64 ટકા જેટલો ચોખ્ખો નફો

બાગાયત ખેતી શરુ કર્યાના પ્રથમ ત્રણ વર્ષમાં જ અમૃતભાઈ પટેલે કુલ રૂ. 42 લાખથી વધુની આવક અને ખર્ચ કાઢતા લગભગ 64 ટકા એટલે કે, કુલ રૂ. 27 લાખ જેટલો ચોખ્ખો નફો (Profit) મેળવ્યો હતો. આટલું જ નહિ, ગત વર્ષ 2024-25માં પણ તેમણે જામફળ અને લીંબુની ખેતીથી કુલ રૂ. 18 લાખની વાર્ષિક આવક અને ખર્ચને બાદ કરતા રૂ. 9 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે, બાગાયત ખેતી અપનાવવાથી તેમની આવકમાં સતત અને નોંધપાત્ર વધારો થયો છે, જે પરંપરાગત ખેતી કરતાં અનેકગણો વધારે છે.

પરિવર્તન એ ધરતીનું બીજું નામ છે,સ્વીકારો, શીખો અને આગળ વધતા રહો

અમૃત પટેલ રાજ્યના અનેક ખેડૂતોને સંદેશ આપતા જણાવે છે કે, પરિવર્તન એ ધરતીનું બીજું નામ છે. તેને સ્વીકારો, શીખો અને આગળ વધતા રહો. જ્ઞાન, સરકારી સહાય અને ટેક્નોલોજી (Technology)ના યોગ્ય ઉપયોગથી ખેતીને માત્ર જીવન નિર્વાહનું સાધન જ નહીં, પણ સમૃદ્ધિનું સન્માનજનક માધ્યમ પણ બનાવી શકાય છે.

બાગાયત ખેતીમાં સફળ પરિવર્તન કરવાથી અમૃત પટેલના જીવનમાં માત્ર આવકમાં જ વધારો નથી થયો, પરંતુ તેમને સામાજિક સન્માન પણ મળ્યું છે. તેમની ગણના હવે પ્રગતિશીલ ખેડૂતોમાં થાય છે. તેમણે કરેલી જામફળની ખેતી આજે અન્ય ખેડૂતોને સ્પષ્ટ માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: ખેડૂત આક્રોશનો ફાયદો લેવા AAP પછી હવે કોંગ્રેસ મેદાનમાં

આ પણ વાંચો: ગુજરાતની ‘વનબંધુ કલ્યાણ યોજના’થી ખેતીનું ચિત્ર બદલાયું…’લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક’ આદિવા