Vadodara News: વડોદરાની આંતરરાષ્ટ્રીય પેરા સ્વિમર ગરિમા વ્યાસે (Garima Vyas) પોતાની મહેનત અને દૃઢ સંકલ્પથી વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. ભોપાલમાં 12થી 15 નવેમ્બર દરમિયાન યોજાયેલી 26મી રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ (National Para Swimming Championship) 2026-27માં ગરિમાએ એક સુવર્ણ અને એક રજત ચંદ્રક જીત્યો છે. આ સાથે રાષ્ટ્રીય સ્તરે તેમના કુલ મેડલની સંખ્યા 18 થઈ છે, જેનાથી તેમણે વડોદરા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
Garima Vyas: રાષ્ટ્રીય સ્તરે 10 ગોલ્ડ સહિત 18 મેડલ
ગરિમાએ અત્યાર સુધી રાષ્ટ્રીય સ્તરે 10 સુવર્ણ, 4 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ તેમના નામે 8 સુવર્ણ ચંદ્રક નોંધાયેલા છે. તેઓ અત્યાર સુધીમાં 4 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ ચૂક્યાં છે. વ્હીલચેરનો ઉપયોગ કરવા છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતી તેઓ એકમાત્ર મહિલા પેરા સ્વિમર છે.

2016ના અકસ્માત બાદ પણ સ્વિમિંગનો જુસ્સો જાળવી રાખ્યો
ગરિમાની સફળતા પાછળ સંઘર્ષ અને સતત મહેનતની લાંબી સફર છે. વ્યવસાયે કન્સલ્ટિંગ સાઇકોલોજિસ્ટ ગરિમાને વર્ષ 2016માં પાવાગઢની પહાડીઓમાં ટ્રેકિંગ દરમિયાન સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થઈ હતી. આ ઘટના બાદ તેમને વ્હીલચેરનો ઉપયોગ કરવો પડ્યો હતો.
જોકે, તેમણે પોતાની શારીરિક પરિસ્થિતિને સ્વિમિંગ પ્રત્યેના જુસ્સા પર હાવી થવા દીધી નહોતી. સતત અભ્યાસ અને મહેનતના આધારે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી (Gujarat Sports) છે.

કોચ અને ટીમના માર્ગદર્શન હેઠળ તાલીમ
હાલમાં ગરિમા વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના કોચ વિવેક સિંહ બોરાલિયા અને કૃષ્ણા પંડ્યાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યાં છે. તેમની તૈયારીમાં અંકુર સૈની, ફિટનેસ કોચ ડૉ. નેહા કર્ણિક અને ન્યુટ્રિશનિસ્ટ પંક્તિ જરીવાલા શાહનો પણ સહયોગ મળી રહ્યો છે.
રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ સાથે ગરિમાએ પોતાની સિદ્ધિઓમાં વધુ એક નોંધપાત્ર ઉમેરો કર્યો છે. તેમની સફર અનેક ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.
આ પણ વાંચો: Sree Charani એ રચ્યો ઈતિહાસ, ICC રેન્કિંગમાં તોડ્યો રેકોર્ડ
આ પણ વાંચો: Asian Games 2026 Live: જય મીણાએ રચ્યો ઈતિહાસ, મનુ ભાકર મેડલથી ચૂકી
આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, 300મી T20Iમાં 200 જીતનો મોટો રેકોર્ડ
