Dwarka News : ટાટા કેમિકલ્સ લિમિટેડ મારફતે દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે મીઠુ, સોડા અને સિમેન્ટના ઉત્પાદનને લઈને ઝેરી ઘન અને પ્રવાહી કચરો નીકળે છે. આ કચરાનો નિકાલ સમુદ્રમાં કરાતો હોવાની લાંબા સમયથી ફરિયાદને લઈને ચકચાર મચી છે. આ પ્રદૂષણને લઈને આસપાસના આરંભડા, ભીમરાણા અને સૂરજકરાળી જેવા ગામોના ખેતરો બંજર બની ગયા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. તળાવો ઝેરી પાણીથી ભરેલા હોવાથી સમુદ્રી જીવસૃષ્ટિને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે.
બીજીતરફ દેવરામ વાલા ચારણની ફરિયાદને આધારે દ્વારકા પ્રાંત અધિકારી આમોલ આવટેની અધ્યક્ષતામાં ટીડીઓ, મામલતદાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ચાફ ઓફિસર, ફીશરીઝ અધિકારી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને ખેતીવાડી અધિકારી સહિતની ટીમે મીઠાપુરના ટાટા કેમિકલ્સની મુલાકાત લીધી હતી.
આ ટીમે સોલિડ વેસ્ટ સમુદ્રમાં નાંખવામાં આવે છે તે અને દેવપરાના રહેણાંક વિસ્તારની મુલાકાત લીધી હતી.જેમાં પ્રદૂષણની પરિસ્થિતી જાણવા માટે અલગ અલગ નમૂના લેવામાં આવ્યા હતા.પાડલી ગામ સામે સમુદ્રમાં રૂ.300થી 400 કરોડના ખર્ચે જેટીનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને પાઈપલાઈન દ્વારા છેરી કેમિકલ્સને ઉંડા સમુદ્રમાં ઠાલવી શકાય.
બીજીતરફ ઝેરી કેમિકલ્સ ઉંડા સમુદ્રમાં નાંખવાથી પ્રદૂષણ કે જીવ સૃષ્ટિને નુકશાન નહી થાંય તેવો પ્રશ્ન ફરિયાદીઓ ઉઠાવી રહ્યા છે.
આ અંગે પ્રાંત અધિકારીનું કહેવું છે કે સંબંધિત વિભાગને આ સંદર્ભે કામગીરી સોંપવામાં આવી છે. જેનો અહેવાલ તૈયાર કરીને જિલ્લા કલેક્ટર અને પ્રદૂષણ વિભાગને મોકલાશે. જોકે સ્થાનિક મેનેજમેન્ટની બેજવાબદારીભર્યા વલણથી આ નુકશાન સામે હવે પ્રજાલક્ષી પગલા લેવાશે કે કેમ તે એક સવાલ છે.
