પંચમહાલ/ મોરવા હડફ પેટાચૂંટણીને ધ્યાને લઈ હથિયારો જાહેરમાં લઇ જવા, પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ

જિલ્લામાં જાહેર સુલેહ-શાંતિ સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ વિધાનસભા પેટા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Gujarat Others

પ્રતિકાત્મક તસવીર

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ, પંચમહાલ

પંચમહાલ જિલ્લાના ૧૨૫- મોરવા હડફ વિધાનસભા બેઠક  માટે જાહેર થયેલ પેટાચૂંટણીને ધ્યાનમાં લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973ની કલમ-144 અંતર્ગત પરવાનાના હથિયારો અને અન્ય હથિયારોને જાહેરમાં લઈ જવા કે  પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મુકતો હુકમ કરવામાં આવ્યો છે.

આ હુકમ અનુસાર ચૂંટણીની જાહેરાતથી ચૂંટણી પરિણામ જાહેર થતા સુધી,જિલ્લાના મોરવા (હ) વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ મોરવા હડફ તાલુકા તથા ગોધરા તાલુકાના મેરપ, ગોલ્લાવ, દહીંકોટ, સરસાવ અને ભામૈયા એમ કુલ પાંચ ગામોના વિસ્તારમાં લાયસન્સવાળા હથિયારો તેમજ અન્ય હથિયારો તીક્ષ્ણ અને મારક હથિયારો જેવાકે તલવાર, ભાલા, તીરકાંમઠા વગેરે જાહેરમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જિલ્લામાં જાહેર સુલેહ-શાંતિ સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ વિધાનસભા પેટા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ- 1860ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.