Ahmedabad News/ વાડજમાં ચા પીને ઘરે જઈ રહેલા વૃદ્ધને કચડ્યા, ટુ-વ્હીલર સવારોએ પીછો કર્યો પણ ચાલક ફરાર

Ahmedabadના વાડજમાં વહેલી સવારે ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત થયું છે. સ્થાનિકોએ પીછો કર્યો છતાં ચાલક ભાગી ગયો. પોલીસે તપાસ હાથ ધરી છે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Vadaj Dumper Accident

Ahmedabad Vadaj Dumper Accident: અમદાવાદ શહેરમાં ‘મોતના ડમ્પર’નો કહેર યથાવત છે. આજે વહેલી સવારે વાડજ સર્કલ પાસે પૂરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને ભાગી રહેલા ડમ્પર ચાલકનો સ્થાનિક યુવાનોએ જીવના જોખમે પીછો કર્યો હતો, પરંતુ બેફામ ડમ્પર ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

Ahmedabad : ચા પીને પરત ફરતી વખતે કાળ ભેટી ગયો

મળતી વિગતો અનુસાર, વાડજની હનુમાનપુરા ચાલીમાં રહેતા ધીરજભાઈ વહેલી સવારે રૂટિન મુજબ ચા પીવા માટે ગયા હતા. ચા પીને તેઓ પગપાળા પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ધીરજભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.

Ahmedabad Vadaj Dumper Accident

ફિલ્મી ઢબે પીછો, છતાં ચાલક રફુચક્કર

અકસ્માત કર્યા બાદ ડમ્પર ઉભું રાખવાને બદલે ચાલકે ડમ્પર ભગાવવાનું શરૂ કર્યું હતું. આ જોઈને ત્યાં હાજર કેટલાક જાગૃત ટુ-વ્હીલર ચાલકોએ પોતાનું વાહન ડમ્પર પાછળ દોડાવ્યું હતું. સ્થાનિકોએ લાંબા અંતર સુધી ડમ્પરનો પીછો કર્યો હતો, પરંતુ ડમ્પર ચાલક પૂરઝડપે વાહન ચલાવી અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો.

પોલીસે ડમ્પરનો નંબર મેળવ્યો

બનાવની જાણ થતા જ બી-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીઆઈ જે.એચ. ચૌધરીએ જણાવ્યું કે, “અકસ્માત સર્જીને ફરાર થયેલા ડમ્પરનો નંબર પોલીસને મળી ગયો છે. હાલ ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે અને નંબરના આધારે ડમ્પર ચાલકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.”

આ ઘટનાને પગલે વાડજ વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ભારે વાહનોની અવરજવર અને તેમની ગતિ મર્યાદા પર અંકુશ લાવવાની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો : વાડજમાં ટેન્કરના અકસ્માતમાં 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો : અમદાવાદ સીટીએમ નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત, મોપેડ ચાલક 60 ફૂટ ઢસડાયો

આ પણ વાંચો : સાણંદ-વિરમગામ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત