Ahmedabad News: ગુજરાતનું ઐતિહાસિક શહેર વડનગર હવે તેના સમૃદ્ધ વારસાની સાથે આધુનિક રેલવે કનેક્ટિવિટીના (Vadnagar Railway Station) નવા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા વડનગર રેલવે સ્ટેશન પર આધુનિક સુવિધાઓ વિકસાવવાની સાથે ઉત્તર ગુજરાતમાં પ્રવાસન, વેપાર અને સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવા માટે રેલવે નેટવર્કનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં 30 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન વડનગરમાં યોજાયેલા સ્વદેશી (Vadnagar Swadeshi Mela) મેળા-2026માં આશરે 6 હજાર મુસાફરોએ વડનગર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં મુસાફરી કરી હતી. મેળા દરમિયાન મુસાફરોની અવરજવરથી સ્થાનિક મેળાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકલા, હાથશાળ અને ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં રેલવે કનેક્ટિવિટીની ભૂમિકા સામે આવી છે.
Vadnagar Railway Station: વડનગર-વરેઠા રેલવે સેક્શનથી કનેક્ટિવિટીને વેગ
મહેસાણા-વરેઠા બ્રોડગેજ રેલવે લાઇન હેઠળ વિકસિત વડનગર સ્ટેશન ઉત્તર ગુજરાત માટે મહત્ત્વપૂર્ણ રેલવે કેન્દ્ર બન્યું છે. વર્ષ 2021માં મહેસાણા-વરેઠા વચ્ચેના 55 કિલોમીટર લાંબા રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ રૂ.293.14 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રૂ.74.66 કરોડના ખર્ચે વિદ્યુતીકરણનું કામ પણ પૂર્ણ થયું હતું. આમ, સમગ્ર પરિયોજના પાછળ કુલ રૂ.367.80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ રેલવે સેક્શન પર કુલ 10 સ્ટેશન છે. વડનગર, વિસનગર, ખેરાલુ અને વરેઠા ખાતે નવા સ્ટેશન ભવનો વિકસાવવામાં આવ્યા છે. આ કનેક્ટિવિટીના કારણે વડનગર મહેસાણા મારફતે અમદાવાદ-દિલ્હીના બ્રોડગેજ રેલવે નેટવર્ક સાથે જોડાયું છે. હાલમાં વડનગરથી ત્રણ જોડી ટ્રેનોનું સંચાલન થાય છે. તેમાં વરેઠા-ગાંધીનગર કેપિટલ મેમુ, વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને વડનગર-બાન્દ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
સ્ટેશન પર વારસાની ઝલક સાથે આધુનિક સુવિધાઓ
વડનગર રેલવે સ્ટેશનની ઇમારતને શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. સ્ટેશનમાં પથ્થરની આકર્ષક કોતરણી, વિશેષ પ્રવેશ અને બહાર નીકળવાના દ્વાર તેમજ સુવ્યવસ્થિત લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે.
![]()
મુસાફરો માટે સ્ટેશન પર 425 મીટર લાંબા બે પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ, લિફ્ટ, કેફે, પ્રતીક્ષા ખંડ, સામાન્ય અને મહિલા મુસાફરો માટે અલગ પ્રતીક્ષાલય, શૌચાલય તથા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. પ્લેટફોર્મ નંબર-1 પર 529.20 ચોરસ મીટરનો કવર શેડ પણ બનાવવામાં આવ્યો છે. દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ, શૌચાલય અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ સાથે રેલવે કનેક્ટિવિટીનું જોડાણ આ વિસ્તારના પ્રવાસન વિકાસ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
તારંગા હિલથી અંબાજી અને આબુ રોડ સુધી નવી રેલવે લાઇન
ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા માટે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલવે (Abu Road Railway ) લાઇન (Taranga Hill Ambaji Railway Line) પર પણ કામ ચાલી રહ્યું છે. આશરે 117 કિલોમીટર લાંબી આ પરિયોજનાને વર્ષ 2022-23માં લગભગ રૂ.3,000 કરોડના સ્વીકૃત ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી હતી. પરિયોજનાનો અંતિમ સંશોધિત ખર્ચ આશરે રૂ.3,050 કરોડ છે.
આ રેલવે લાઇનનો હેતુ ગુજરાત અને રાજસ્થાનનાં મહત્ત્વનાં ધાર્મિક તથા પ્રવાસન સ્થળોને રેલવે નેટવર્ક સાથે જોડવાનો છે. તેના કારણે અંબાજી શક્તિપીઠ, તારંગા હિલનાં જૈન તીર્થસ્થળો, માઉન્ટ આબુ અને દેલવાડાનાં જૈન મંદિરો સુધી પહોંચવું વધુ સરળ બનવાની આશા છે.

પરિયોજના હેઠળ કુલ 15 સ્ટેશન બનાવવાનું આયોજન છે, જેમાં 8 ક્રોસિંગ સ્ટેશન અને 7 હોલ્ટ સ્ટેશનનો સમાવેશ થાય છે. પહાડી વિસ્તારમાંથી પસાર થનારી આ લાઇન પર 11 સુરંગ, 54 મોટા પુલ, 151 નાના પુલ, 8 રોડ ઓવરબ્રિજ અને 54 રોડ અંડરબ્રિજ અથવા મર્યાદિત ઊંચાઈના પુલ બનાવવાનું આયોજન છે. આ રેલવે માર્ગનું વિદ્યુતીકરણ પણ કરવામાં આવશે.
રેલવેના જણાવ્યા અનુસાર, પરિયોજના માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે. બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટ પણ ફાળવી દેવામાં આવ્યા છે. હાલ વિવિધ સ્થળોએ બાંધકામની કામગીરી પ્રગતિમાં છે અને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે દેખરેખ રાખવામાં આવી રહી છે.
પ્રવાસન, વેપાર અને રોજગારીને મળશે વેગ
વડનગરથી અંબાજી અને આગળ રાજસ્થાનના આબુ રોડ સુધી રેલવે કનેક્ટિવિટી વિકસવાથી ઉત્તર ગુજરાતનાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોને વધુ સારી રીતે જોડવાની તક મળશે. તેનો લાભ શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને આસપાસના વિસ્તારના રહેવાસીઓને મળી શકે છે.
રેલવે નેટવર્કના વિસ્તરણથી સ્થાનિક હસ્તકલા, લઘુ ઉદ્યોગો, કૃષિ ઉત્પાદનો અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને પણ નવા બજારો સુધી પહોંચવામાં મદદ મળશે. આમ, વડનગર રેલવે સ્ટેશન ઐતિહાસિક વારસા અને આધુનિક પરિવહન સુવિધાઓના સંગમ તરીકે વિકસી રહ્યું છે, જ્યારે અંબાજી અને આબુ રોડ સુધીની નવી રેલવે પરિયોજના ઉત્તર ગુજરાતના પ્રવાસન, વેપાર અને આર્થિક વિકાસ માટે નવી તકો ઊભી કરી શકે છે.
આ પણ વાંચો: પાટણ રેલવે સ્ટેશન પર સુપરફાસ્ટ એક્સપ્રેસનું સ્ટોપેજ શરૂ, રેલ કનેક્ટિવિટીમાં મોટો સુધારો
આ પણ વાંચો: ભારત બનાવશે દુનિયાનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન, બિલાસપુરથી લેહ સુધી 489 કિમીની રેલવે લાઈન
આ પણ વાંચો: ચીનના BRI પર ભારતનો ફરી વિરોધ, PM એ કહ્યું- કનેક્ટિવિટી સંપ્રભુતાનું સન્માન કરવી જોઈએ
