Ahmedabad CTM BRTS Accident: અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત BRTS ટ્રેકમાં વાહન ચલાવવું ફરી એકવાર જીવલેણ સાબિત થયું છે. સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક જશોદાનગરથી સીટીએમ તરફ જતા ટ્રેકમાં એક મોપેડ ચાલક અને બીઆરટીએસ બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે યુવક તેના મોપેડ સાથે અંદાજે 50 થી 60 ફૂટ સુધી રોડ પર ઢસડાયો હતો.

Accidentમાં મોપેડના ફુરચા ઉડ્યા
અકસ્માતની તીવ્રતા જોઈને ત્યાં હાજર લોકોના કાળજા કંપી ગયા હતા. બસની ટક્કર વાગતા જ મોપેડ ચાલક ફંગોળાઈને દૂર પડ્યો હતો અને 60 ફૂટ સુધી ઘસડાતા મોપેડનો આગળનો ભાગ અને ટાયર આખું નીકળી ગયું હતું. યુવકે હેલ્મેટ પહેર્યું ન હોવાથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

નિયમોના ઉલ્લંઘને નોતરી આફત
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને બીઆરટીએસ ટ્રેકમાં ખાનગી વાહનો ચલાવવા પર સખત પ્રતિબંધ છે. તેમ છતાં, સમય બચાવવા કે શોર્ટકટ લેવાની લાલચમાં અનેક વાહનચાલકો જીવના જોખમે ટ્રેકમાં ઘૂસી જાય છે. સીટીએમની આ ઘટના પણ નિયમોના ભંગનું જ પરિણામ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને હાલ બસ ચાલક તેમજ મોપેડ ચાલક સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ અકસ્માતે ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમોના પાલન સામે સવાલ ઉઠાવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના , એક કાર ચાલકે બે પરીક્ષાર્થીઓને લીધા અડફેટે
આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત: ટ્રકે બાઈકને કચડતાં 2ના મોત
આ પણ વાંચો: અમદાવાદમાં ઠેર-ઠેર ‘તથ્ય પટેલ’: 24 કલાકમાં ત્રણ અકસ્માતમાં પાંચના મોત, પાંચ કુટુંબ નોંધારા
