Gir Lion Attack on Calf Kodinar : ગીરના જંગલની બોર્ડર પર આવેલા ગામડાઓમાં સિંહ દ્વારા મારણની ઘટનાઓ સામાન્ય છે, પરંતુ કોડીનારના સિંધાજ ગામે જે દ્રશ્યો સર્જાયા તે જોઈને પથ્થર હૃદયનો માનવી પણ રડી પડે. અહીં આઠ સિંહોના પરિવારે એક વાછરડાનો શિકાર કર્યો, પરંતુ આ લોહિયાળ ખેલ વચ્ચે એક ગાયે જે રીતે માતૃત્વની મિસાલ પેશ કરી છે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મોત સામે હતું પણ માતૃત્વ અડગ રહ્યું
ગઈકાલે (૯ ફેબ્રુઆરી) રાત્રે સિંધાજ ગામમાં ખોરાકની શોધમાં આઠ સિંહોનું ટોળું આવી ચઢ્યું હતું. આ સિંહ પરિવારે રસ્તામાં એક વાછરડાને દબોચી લીધું અને તેનું મારણ કર્યું. સામાન્ય રીતે સિંહને જોતા જ ગમે તેવા શક્તિશાળી પ્રાણીઓ જીવ બચાવવા ભાગે છે, પરંતુ અહીં વાછરડાની માતા ગાયે ભાગવાને બદલે સિંહોની સામે જ ઊભા રહેવાનું પસંદ કર્યું.
લોહીલુહાણ દેહને ચાટતી રહી ગાય
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે શક્તિશાળી સિંહ જ્યારે વાછરડાના દેહને ફાડી રહ્યા હતા, ત્યારે ગાય અત્યંત વ્યાકુળ અવસ્થામાં ત્યાં જ ઊભી રહી. પોતાના મૃત્યુનો ભય છોડીને ગાયમાતા સિંહોની વચ્ચે જઈને પોતાના સંતાનના લોહીલુહાણ દેહને વહાલ કરતી રહી. ગાયની આંખોમાં સંતાન ગુમાવવાનું દુઃખ અને સામે ઉભેલા સાક્ષાત્ કાળ વચ્ચે પણ માતૃત્વની જીત થઈ હોય તેવું જોવા મળ્યું.

Gir : વન વિભાગે શું કરી અપીલ?
ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રેકરો દ્વારા આ સિંહ પરિવારના મૂવમેન્ટ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે સુરક્ષાના ભાગરૂપે ગ્રામજનોને સાવચેત રહેવા કેટલીક મહત્વની સૂચનાઓ આપી છે, જેમાં મુખ્યત્વે રાત્રિના સમયે ઘરની બહાર એકલા નીકળવાનું ટાળવા જણાવાયું છે. આ ઉપરાંત, સિંહોની પજવણી ન કરવા કે ટોળે વળી તેમને જોવા ન જવા તેમજ પાલતુ પશુઓના રહેઠાણને યોગ્ય રીતે સુરક્ષિત રાખવા માટે પણ વન વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
કુદરતના આ ક્રૂર નજારામાં શિકારી સિંહો સામે એક લાચાર ગાયનું અડગ ઊભા રહેવું એ સાબિત કરે છે કે માતૃત્વની લાગણી દુનિયાના દરેક ડર કરતાં મોટી હોય છે. સિંધાજ ગામની આ ઘટના હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચોઃ અમરેલીના આ ગામમાં સાવજોનું છે રાજ, લોકોએ રહેવું પડે છે નજરકેદ
આ પણ વાંચોઃ ભાવનગરના જેસરમાં 17 સાવજોની ભવ્ય એન્ટ્રી
આ પણ વાંચોઃ ગૃહમાં ગાજયો સાવજોના મૃત્યુનો મુદ્દો, જાણો અત્યાર સુધી કેટલા સિંહો મોતને ભેટ્યા
