Junagadh News: જૂનાગઢના ગિરનાર પર્વત પર લીલી પરિક્રમાને લઈને ભક્તિનો માહોલ (Girnar Parikrama Crowd) જામ્યો છે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ 20 નવેમ્બરની રાત્રે થવાનો હતો, પરંતુ શ્રદ્ધાળુઓની ભારે ભીડને પગલે વહીવટી તંત્રએ આજે વહેલી સવારે 6 વાગ્યે જ ઇટવા ગેટ ખોલી (Itwa Gate Open) દીધો હતો. ગત રાતથી જ હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ ભવનાથ તળેટી ખાતે એકઠા થયા હતા. ગેટ ખુલતાં જ ‘જય ગિરનારી’ના નાદ સાથે ભક્તોએ પરિક્રમાના રૂટ તરફ પ્રયાણ કર્યું હતું.
Girnar Parikrama Crowd: અંબાજી મંદિર પરિસરમાં હૈયે હૈયું દળાયું
ભવનાથ તળેટીથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વતના પગથિયાં ચડીને અંબાજી મંદિર (Ambaji Temple Girnar) પહોંચ્યા હતા. મંદિર પરિસર અને પગથિયાં પર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દત્તાત્રેયના શિખર તરફ પણ આગળ વધ્યા હતા.
ગિરનાર પર્વત ભક્તિના રંગે રંગાયો
રાજ્યના વિવિધ વિસ્તારો ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી આવેલા શ્રદ્ધાળુઓના કારણે જૂનાગઢના રસ્તાઓ અને ભવનાથ તળેટી ભક્તોથી ઉભરાઈ રહ્યાં છે. ગિરનાર પર્વત પર પગથિયાંથી લઈને મંદિર પરિસર સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. ‘જય ગિરનારી’ના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો છે.

વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ગેટ ખોલાયા બાદ પરિક્રમા રૂટ અને મંદિર પરિસરમાં સુરક્ષા તથા ભીડ નિયંત્રણ માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ, વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિક ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
ભીડને કારણે વહેલી પરિક્રમા શરૂ કરાઈઃ મેઘના
વડોદરાથી પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, પરિક્રમા વાસ્તવમાં 20 નવેમ્બરની રાત્રે શરૂ થવાની હતી, પરંતુ ભીડને કારણે વહેલી શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે. ભીડ હોવા છતાં લોકો ‘જય ગિરનારી’ના નાદ સાથે આનંદપૂર્વક આગળ વધી રહ્યા છે.
રહેવા-સૂવાની અગવડતાને કારણે ગેટ વહેલો ખોલવાની અપીલ
પરિક્રમાના વિધિવત પ્રારંભ પહેલાં જ ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભવનાથમાં પહોંચી ગયા હતા. હોટેલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ જતાં અનેક યાત્રાળુઓને રહેવા-સૂવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દેવભૂમિ દ્વારકાના કરશનભાઈ, જામનગરના જયદીપ મકવાણા તેમજ થાનગઢનાં વસંતબેન અને ગીતાબેન પ્રજાપતિ સહિતના યાત્રાળુઓએ (Girnar Pilgrims) રહેવાની સુવિધાના અભાવે પડતી મુશ્કેલીઓ જણાવી હતી. વડીલો સહિતના શ્રદ્ધાળુઓ કલાકોથી રાહ જોઈ રહ્યા હોવાથી તેમણે તંત્રને વહેલો ગેટ ખોલવા અપીલ કરી હતી. જંગલમાં તબક્કાવાર પ્રવેશ આપવામાં આવે તો ભીડનું નિયંત્રણ અને વ્યવસ્થા જાળવવામાં સરળતા રહે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.
આજે 20 નવેમ્બરની રાત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવશે.
આ પણ વાંચો: ગિરનાર પરિક્રમામાં પોલીસનો મેગા બંદોબસ્ત: 2,241 જવાનો તૈનાત, ડ્રોનથી પણ થશે મોનિટરિંગ
આ પણ વાંચો: પરિક્રમા રૂટ પર લાઈટો અને જનરેટરની સંખ્યા વધતા વન્યજીવોની શાંતિ સામે સવાલ
આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ: 5થી 7 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા
