Gujarat News: ગુજરાતમાં પ્રવાસન (Gujarat Tourism) ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક નાગરિકો માટે સ્વરોજગારની તકો ઊભી કરવાના હેતુથી રાજ્ય સરકારે હોમસ્ટે નીતિમાં (Gujarat Homestay Policy) મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. પ્રવાસન વિભાગના નવા નિયમો મુજબ હવે હોમસ્ટેમાં મંજૂર રૂમની મહત્તમ મર્યાદા 6થી વધારીને 9 કરવામાં આવી છે. આ ઉપરાંત હોમસ્ટેના માલિકે સ્થળ પર જ રહેવું ફરજિયાત રહેશે નહીં. હવે અધિકૃત મેનેજરની નિમણૂક કરીને પણ હોમસ્ટેનું સંચાલન (Homestay Rules) કરી શકાશે.
Gujarat Homestay Policy: મેનેજર રાખીને પણ હોમસ્ટે ચલાવી શકાશે
નવી જોગવાઈ મુજબ હોમસ્ટેના માલિકે પરિસરમાં સતત હાજર રહેવાની જરૂર નહીં પડે. માલિક પોતાના બદલે અધિકૃત મેનેજર રાખીને વ્યવસાય ચલાવી શકશે. નોંધણી વખતે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવાની અનિવાર્યતા પણ દૂર કરવામાં આવી છે. જોકે પ્રવાસીઓની સુરક્ષા સંબંધિત નિયમો યથાવત્ રાખવામાં આવ્યા છે.
ઓનલાઇન સેલ્ફ-ડિક્લેરેશનથી રિન્યુઅલ થશે
હોમસ્ટેની નોંધણી હવે બે વર્ષ માટે માન્ય રહેશે. નોંધણીનું રિન્યુઅલ કરાવવા માટે સંચાલકોએ વારંવાર ભૌતિક ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. તેઓ ઓનલાઇન સેલ્ફ-ડિક્લેરેશનના આધારે રિન્યુઅલ કરાવી શકશે. જોકે જરૂરિયાત જણાય તો પ્રવાસન વિભાગ દ્વારા રિસ્ક-બેઝ્ડ અથવા રેન્ડમ તપાસ કરવામાં આવશે.
હોમસ્ટે શરૂ કરવા ઇચ્છુક નાગરિકો પ્રવાસન વિભાગની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરીને ઓનલાઇન નોંધણી કરાવી શકશે.
હોમસ્ટે સંચાલકો માટે માર્ગદર્શન વર્કશોપ યોજાશે
નવી નીતિના લાભો (Homestay Business) વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વિશેષ માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પ્રવાસન સ્થળોની નજીક રહેતા નાગરિકોને પોતાની મિલકતને આધુનિક હોમસ્ટે તરીકે વિકસાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
વર્કશોપમાં તજજ્ઞો દ્વારા હોમસ્ટેનું આયોજન, રૂમનું ભાડું નક્કી કરવું, ડિજિટલ માર્કેટિંગ અને સ્થાનિક સંસ્કૃતિ આધારિત પ્રવાસન પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવશે. તેમાં ભાગ લેવા ઇચ્છુક નાગરિકો આ લિંક પર નોંધણી કરાવી શકશે.
એક વર્ષમાં હોમસ્ટેની સંખ્યામાં 105.4%નો વધારો
રાજ્યમાં હોમસ્ટે વ્યવસાય પ્રત્યે નાગરિકોનો રસ વધી રહ્યો હોવાનું આંકડા દર્શાવે છે. વર્ષ 2025-26માં ગુજરાતમાં હોમસ્ટેની સંખ્યા 148 હતી, જે વર્ષ 2026-27માં વધીને 304 થઈ છે. આમ, એક વર્ષમાં હોમસ્ટેની સંખ્યામાં 105.4 ટકાનો વધારો નોંધાયો છે.
સરકારના જણાવ્યા અનુસાર, નીતિમાં કરવામાં આવેલા આ ફેરફારોનો હેતુ પ્રવાસીઓ માટે રહેવાની સુવિધા વધારવાની સાથે સ્થાનિક નાગરિકોને આવકનું નવું સાધન પૂરું પાડવાનો પણ છે. હોમસ્ટેના માધ્યમથી પ્રવાસીઓને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા, ખાનપાન અને જીવનશૈલીનો નજીકથી અનુભવ મળશે. સાથે જ સ્થાનિક સ્તરે રોજગારી અને સ્વરોજગારની તકો ઊભી થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં હોમસ્ટેનો વિકાસ: રોજગારી અને પ્રવાસનને વેગ
આ પણ વાંચો: ગુજરાતમાં District Tourism Development Society: ગુજરાત સરકારે પ્રવાસન વિકાસ માટે ખોલ્યો 10 કરોડનો ફંડ ગેટવે
આ પણ વાંચો: વિશ્વ પ્રવાસન દિવસ: એક વર્ષમાં ગુજરાતમાં આવ્યા 18 કરોડથી વધુ પ્રવાસીઓ
