Vadodara News: મહી નદી પર આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ (Gambhira Bridge), જે 9 જુલાઈ 2025ના રોજ તૂટી પડ્યો હતો, તે હવે સમારકામ બાદ ફરી શરૂ થવા જઈ રહ્યો છે. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા હતા, જેના કારણે બ્રિજને બંધ કરીને તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.
Gambhira Bridge 10 મહિના બાદ તૈયાર
દુર્ઘટનાના આશરે 10 મહિના બાદ હવે બ્રિજનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે. તૂટેલા ભાગને મજબૂત બનાવવા માટે આશરે 80 ટનનું સ્ટીલ માળખું ગોઠવવામાં આવ્યું છે. સાથે જ બ્રિજ (Gambhira Bridge)ની સુરક્ષા અને ક્ષમતા ચકાસવા માટે ઓવરલોડ ટેસ્ટિંગ હાથ ધરાયું હતું, જેમાં ભારે ટ્રેક્ટર પસાર કરીને તેની મજબૂતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

હવે સારા સમાચાર એ છે કે આવતીકાલે એટલે કે 2 એપ્રિલથી બ્રિજ (Gambhira Bridge) ફરી એકવાર વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. શરૂઆતમાં ટુ-વ્હીલર, પગપાળા અને લાઈટ વાહનો માટે બ્રિજ ખુલ્લો રહેશે.

બ્રિજ ફરી શરૂ થતાં આણંદ અને વડોદરા વચ્ચેનો ટ્રાફિક હળવો બનશે અને હજારો દૈનિક મુસાફરોને મોટી રાહત મળશે. અત્યાર સુધી લોકોને 20થી 40 કિલોમીટર વધારાનું અંતર કાપવું પડતું હતું, તે હવે ટળી જશે.
નોંધનીય છે કે આ સાથે જ અંદાજિત ₹212 કરોડના ખર્ચે નવા આધુનિક બ્રિજનું નિર્માણ કાર્ય પણ ચાલુ છે. આ નવો બ્રિજ તૈયાર થયા બાદ ભારે વાહનો જેમ કે ટ્રક અને ટેમ્પો માટે પણ અવરજવર સુલભ બનશે.હાલ માટે, બ્રિજ ફરી શરૂ થવાને કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.
આ પણ વાંચો:આણંદનો ગંભીરા બ્રિજ બીજી એપ્રિલથી ખૂલશે
આ પણ વાંચો:પાદરા-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એક મોત, મૃત્યુઆંક 21એ પહોંચ્યો
