Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)ના હસ્તે ગાંધીનગર ખાતેથી ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેકનું વિતરણ અને દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂક પત્રો એનાયત કરાયા. ખેતી બેંક દ્વારા દરેક લોન લેનાર ખેડૂત પરિવારને રૂ. 11 લાખ સુધીના અકસ્માત વીમાનું કવચ આપવામાં આવ્યું.

ખેડૂત લાભાર્થીઓના વારસદારોને અકસ્માત વીમા સહાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના 11 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ.-ખેતી બેંક (Kheti Bank), અમદાવાદના ખેડૂત લાભાર્થીઓના વારસદારોને ગાંધીનગર (Gandhinagar) ખાતેથી અકસ્માત વીમા સહાય (Accident Insurance Assistance)ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
ખેડૂત પરિવારો માટે મુશ્કેલીના સમયમાં મોટો આર્થિક આધાર પૂરો પાડવા માટે ખેતી બેંક દ્વારા દરેક લોન લેનાર ખેડૂત પરિવારને રૂ. 11 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે. આ વીમાનું પ્રીમિયમ પણ બેંક દ્વારા ચૂકવવામાં આવે છે.

નાયબ મુખ્યમંત્રી (Harsh Sanghvi)એ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીના હસ્તે સ્વ. હેમંતજી પરમારના વારસદારને રૂ. 11 લાખ તેમજ સ્વ. હિતેશકુમાર પટેલ અને સ્વ. ભાણાભાઈ બારૈયાના વારસદારોને રૂ. 5-5 લાખના અકસ્માત વીમાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સંઘવીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આ આર્થિક સહાય તેમને ભવિષ્યમાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા
આ કાર્યક્રમમાં પાંચ દિવ્યાંગ કર્મચારીઓ (Disabled Employees)ને તેમના પ્રોબેશન પિરિયડ પૂરો થતા કાયમી નિમણૂક (Permanent Appointment)ના ઓર્ડર પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતા. જેમાં માંગરોળ, જૂનાગઢ, કુતિયાણા, જેતપુર અને મોરબી શાખાના દિવ્યાંગ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે સંઘવીએ નવનિયુક્ત કર્મચારીઓને પ્રોત્સાહિત કરતા તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં બેંકના ચેરમેન ડોલર કોટેચાએ નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ખેતી બેંક હંમેશા ખેડૂતોના હિત અને કર્મચારીઓના કલ્યાણ માટે કટિબદ્ધ રહી છે. નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિએ સંસ્થાના કાર્યકરો અને લાભાર્થીઓમાં નવો ઉત્સાહ જગાડ્યો છે.
