Harsh Sanghavi Petrol Diesel Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની વાતો વહેતી થઈ છે, જેના કારણે અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ ગંભીર સ્થિતિને જોતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે એક મહત્વની બેઠક યોજી હતી અને સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં ઇંધણનું કોઈ સંકટ નથી.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એક્શનમાં
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ઇંધણના પ્રવર્તમાન જથ્થા અંગે હાઈ-લેવલ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર બે દિવસે રાજ્યમાં ઇંધણના જથ્થાનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરતા ખાતરી આપી હતી કે રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેથી જનતાએ ગભરાવાની કે સંગ્રહખોરી કરવાની કોઈ જરૂર નથી.
સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહો: Harsh Sanghavi
હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને ભાવુક અપીલ કરતા જણાવ્યું છે કે, “સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો. આવી અફવાઓ ફેલાવવી એ ગુનો છે. જો ક્યાંય પણ સપ્લાયમાં ટેકનિકલ ઇસ્યુ હશે, તો તંત્ર તાત્કાલિક તેનું નિરાકરણ લાવવા માટે સજ્જ છે.”
તંત્ર ખડેપગે, સપ્લાય સુચારુ
બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઇંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ પણ સ્થળે કૃત્રિમ અછત ઊભી ન થાય. આ ઉપરાંત, તાત્કાલિક પગલાં લેવાના ભાગરૂપે જો કોઈ પણ વ્યક્તિ અફવા ફેલાવતા ઝડપાશે અથવા ગેરરીતિ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રીની આ સ્પષ્ટતા બાદ હવે રાજ્યમાં ઇંધણને લઈને સર્જાયેલી અફરાતફરી શાંત પડવાની આશા છે. વાહનચાલકોએ પેનિક કરવાને બદલે સામાન્ય રીતે પેટ્રોલ-ડીઝલ પુરાવવા વિનંતી કરવામાં આવી છે.
