Gujarat Petrol Diesel Shortage Update: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની માઠી અસર હવે ગુજરાતના રસ્તાઓ પર દેખાવા લાગી છે. ઈરાન-ઈઝરાયેલ જંગને કારણે ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાતા ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે. ખાસ કરીને સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ઓઈલ કંપનીઓએ ડીલરોને અપાતા સપ્લાયમાં 50 ટકાનો કાપ મૂકી દેતા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

કયા શહેરમાં કયા Petrol પંપો બંધ છે?
સપ્લાય ખોરવાતા અનેક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત વિગતો મુજબ, આ અસર રાજ્યના વિવિધ શહેરોમાં જોવા મળી છે. જેમાં અમદાવાદના માનવમંદિર સ્થિત IOC પંપ, પકવાન ચાર રસ્તા પાસેના ભારત પેટ્રોલિયમ અને બોડકદેવના IOC પંપ પર તેની અસર વર્તાઈ છે. આ ઉપરાંત, વડોદરાના મુજમહુડા સ્થિત નાયરા પેટ્રોલ પંપ તેમજ રાજકોટમાં બાપાસીતારામ ચોક અને 80 ફૂટ રોડ પર આવેલા નાયરા પંપ પર પણ સ્ટોક ખલાસ હોવાનું જાણવા મળ્યું છે.
વાહનચાલકોની કતારો અને અફરાતફરી
પેટ્રોલ પંપ બંધ થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. અનેક લોકો આગામી દિવસોમાં ઇંધણ નહીં મળે તેવી બીકે પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા છે, જેના કારણે ચાર રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. જોકે, પેટ્રોલ પંપ ડીલરો અછત હોવાનો સત્તાવાર ઇનકાર કરી રહ્યા છે અને સપ્લાયમાં વિલંબ હોવાનું જણાવી રહ્યા છે.

ઓઈલ કંપનીઓનો પક્ષ,’ગભરાશો નહીં’
સ્થિતિ વણસતા ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે ઇંધણની સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે, તેથી લોકોએ ખોટી અફવાઓથી ગભરાઈને સંગ્રહખોરી કરવી નહીં. વધુમાં તેમણે જણાવ્યું છે કે યુદ્ધના કારણે શિપમેન્ટમાં થોડો વિલંબ જરૂર થયો છે, પરંતુ તેનો ઝડપી ઉકેલ લાવવા માટેના પ્રયાસો હાલ ચાલુ જ છે.
યુદ્ધની સીધી અસર
નિષ્ણાતોના મતે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે ખાડી દેશોમાંથી આવતા ક્રૂડ ઓઈલના જહાજો અટવાયા છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ મોટો ઉછાળો આવી શકે છે.
