Gandhinagar News : વિધાનસભા (Assembly)માં રાજકીય તણાવ વધવાની શક્યતાઓ વચ્ચે ગુજરાત વિધાનસભા સત્રનો 21મો દિવસ આજે મહત્વપૂર્ણ બની રહ્યો છે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી થશે, ત્યારબાદ ઊર્જા, પંચાયત અને આરોગ્ય વિભાગ સંબંધિત પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. સાથે જ આ વિભાગોના બજેટ અને માંગણીઓ અંગે સભ્યો વચ્ચે ચર્ચા યોજાશે. ઉપરાંત 24 માર્ચે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિધેયક રજૂ થવાનું છે.
આગામી દિવસોમાં મહત્વપૂર્ણ વિધેયકોને ધ્યાનમાં રાખીને સત્ર વધુ ગરમાવશે એવી શક્યતા છે. ભાજપ દ્વારા પોતાના તમામ ધારાસભ્યોને આગામી ત્રણ દિવસ દરમિયાન વિધાનસભા(Assembly)માં ફરજિયાત હાજરી આપવા કડક સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના નામે પત્ર મોકલી આ દિશામાં નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત, અંતિમ બે દિવસમાં રજૂ થનારા સાત મહત્વપૂર્ણ વિધેયકોની ચર્ચાને ધ્યાનમાં રાખીને હાજરી અનિવાર્ય બનાવવામાં આવી છે. ભાજપના મુખ્ય દંડક દ્વારા પણ આ અંગે અલગથી સૂચના આપવામાં આવી છે.
વિશેષ ધ્યાન ખેંચતું મુદ્દો એ છે કે 24 માર્ચે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિધેયક રજૂ થવાનું છે, જેના કારણે રાજકીય ગરમાવો વધુ વધવાની સંભાવના છે. વિધાનસભાના 22મા દિવસે આ વિધેયક પર ચર્ચા હાથ ધરાશે. આ વિધેયક મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી દ્વારા રજૂ થઈ શકે છે. સાથે જ આવતીકાલે કુલ ચાર વિધેયકો પર ચર્ચા યોજાનાર હોવાથી વિધાનસભામાં રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની શક્યતા છે.
