Donald Trump Postpones Iran Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા લશ્કરી હુમલાને આગામી 5 દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત કરી છે. જોકે, ઈરાને આ નિર્ણયને ટ્રમ્પની નબળાઈ ગણાવીને તીખી પ્રતિક્રિયા આપી છે.
Donald Trump પાછળ હટી ગયા’
ટ્રમ્પના આ નિર્ણય બાદ ઈરાની મીડિયા અને સરકારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈરાનના સરકારી ટેલિવિઝને ગ્રાફિક્સ સાથે સમાચાર ચલાવ્યા હતા કે, “ઈરાનની કડક ચેતવણી બાદ અમેરિકી રાષ્ટ્રપતિ પાછળ હટ્યા છે.” ઈરાનની ન્યૂઝ એજન્સીઓએ દાવો કર્યો છે કે તેહરાનની જવાબી કાર્યવાહી અને વૈશ્વિક ઉર્જા બજારના દબાણ હેઠળ વોશિંગ્ટનને ઝૂકવું પડ્યું છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું લખ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઇટ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ માહિતી આપતા લખ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટની દુશ્મની ખતમ કરવા માટે ખૂબ જ સારી અને ફાયદાકારક સકારાત્મક વાતચીત થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વાતચીત હજુ આખું અઠવાડિયું ચાલશે અને આ ચર્ચાની સફળતાને ધ્યાનમાં રાખીને તેમણે લશ્કરી વિભાગને નિર્દેશ આપ્યો છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પરના હુમલા 5 દિવસ માટે મુલતવી રાખીને ટાળી દેવામાં આવે.
ઈરાને વાતચીતનો કર્યો ઈનકાર
એક તરફ ટ્રમ્પ વાતચીત સફળ રહી હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાનની ‘તસ્નીમ ન્યૂઝ એજન્સી’ એ ઈરાની અધિકારીને ટાંકીને કહ્યું છે કે અમેરિકા સાથે કોઈ વાતચીત ચાલી રહી નથી. ઈરાને ચેતવણી આપી છે કે જ્યાં સુધી તે પોતાની રક્ષા માટે મજબૂત સ્થિતિ પ્રાપ્ત નહીં કરી લે ત્યાં સુધી બચાવ કરવાનું ચાલુ રાખશે. મેહર ન્યૂઝે તો ત્યાં સુધી કહ્યું કે ટ્રમ્પની ધમકી માત્ર એક ‘દિખાવો’ હતી.
ઉર્જા બજાર પર અસર
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સ્ટ્રેટ (Strait of Hormuz) માં સ્થિતિ હજુ સામાન્ય થઈ નથી અને ઉર્જા બજારમાં અસ્થિરતા યથાવત રહેશે. વિશ્વભરના દેશોની નજર હવે આગામી 5 દિવસ પર છે, શું આ શાંતિ વાસ્તવિક છે કે પછી કોઈ મોટા તોફાન પહેલાની શાંતિ?
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટું એલાન: ઈરાન પર હુમલો હાલ રોકાયો, ચર્ચા પર ભાર
આ પણ વાંચો: 48 કલાકની ડેડલાઇન બાદ તણાવ તેજ, અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધનો ભય
આ પણ વાંચો: ન્યુયોર્ક એરપોર્ટ પર વિનાશકારી ઘટના, વિમાન અને ટ્રક વચ્ચે ટક્કર
