Kalol news/ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાસુઓને ભાવુક અપીલ, ‘વહુને દીકરી માનીને આદર આપજો’

કલોલમાં ઠાકોર સમાજના 35મા સમૂહ લગ્નોત્સવમાં હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. તેમણે વહુને દીકરી સમાન ગણવા અને સરકારી યોજનાઓના લાભ લેવા અપીલ કરી.

Top Stories Gandhinagar Gujarat
Harsh Sanghavi Speech on Daughter-in-law

Harsh Sanghavi Speech on Daughter-in-law: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ગાંધીનગરના કલોલ ખાતે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા 35મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ સામાજિક પરિવર્તન અને સ્ત્રી સન્માન અંગે કરેલી અપીલ અત્યારે ભારે ચર્ચામાં છે.

‘વહુ નહીં, દીકરી માનીને પ્રેમ આપજો’ :Harsh Sanghavi

મહિલા દિવસના મહત્વને સમજાવતા હર્ષ સંઘવીએ દીકરાઓની માતાઓને (સાસુઓને) એક અત્યંત ભાવુક વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “લગ્ન બાદ ઘરે પધારેલી ‘વહુ’ પોતાનું ઘર છોડીને આવે છે, તેને પોતાની દીકરી માનીને આદર અને પ્રેમ આપજો.” મંત્રીની આ વાતને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

સરકાર અને ઠાકોર સમાજનો અતૂટ સંબંધ

પોતાના સંબોધનમાં મંત્રીએ ઉમેર્યું કે, ઠાકોર સમાજ અને સરકાર વચ્ચે હૃદયથી જોડાયેલો અતૂટ સંબંધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘રોકેટ ગતિએ’ આગળ વધી રહી છે. તેમણે ઠાકોર સમાજના યુવાનોના વિકાસ અને મજબૂત નેતૃત્વને સરકારનું મુખ્ય ધ્યેય ગણાવ્યું હતું.

યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહ્વાન

હર્ષ સંઘવીએ આયુષ્માન ભારત, પીએમ આવાસ યોજના અને કિસાન સન્માન નિધિ જેવી મહત્વની સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બીમારીના સમયે જે મદદ મળી રહી છે તે પહેલાના સમયમાં માત્ર એક સપના સમાન હતું. તેમણે સમાજના અગ્રણીઓને ખાસ ટકોર કરતા કહ્યું હતું કે, છેવાડાનો કોઈ પણ પરિવાર આ કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તે જોવાની નૈતિક જવાબદારી હવે તેમની છે.

સામાજિક દૂષણો દૂર કરવા લેવડાવ્યા સંકલ્પ

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને લક્ષ્મણજી ઠાકોરના પ્રયાસોથી સમાજ માટે નિર્માણ પામનાર શૈક્ષણિક ભવન અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ વ્યસન અને અન્ય સામાજિક દૂષણો દૂર કરી એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા ઉપસ્થિત સૌને સંકલ્પ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પ્રમુખ અનિલ પટેલ અને મુખ્ય યજમાન કાંતિજી ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: હર્ષ સંઘવીએ ગુજરાતના પ્રવાસન સ્થળો માટે રૂ. ૨૮.૬૮ કરોડ મંજૂર કર્યા, જાણો કયા યાત્રાધામોનો થશે વિકાસ

આ પણ વાંચો: દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો: આજથી લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર થશે,વિધાનસભામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે જાહેરાત