મોહસીન દાલ, ગોધરા @મંતવ્ય ન્યૂઝ
ગોધરા નગર પાલિકાની આગામી તા.૫ મી જૂનના રોજ યોજાનાર ઓનલાઈન સામાન્ય સભાના ઠરાવમાં ૬૩ જેટલા મુદ્દાઓનો પ્રમુખ સંજય સોનીએ સમાવેશ કર્યો છે એમા પ્રધાનમંત્રી આવાસ યોજનાના બે ગેરરીતિઓના આક્ષેપ કિસ્સા સામે નાણાં વસુલાત બે કિસ્સાને માફ કરવાના નિર્ણયનો સમાવેશ કરાયો છે. પરંતુ ગોધરા નગર પાલિકાના ગત સત્તાધારી કાળમાં બહાર આવેલા બહુચર્ચિત એવા ડુપ્લીકેટ એફ.ડી.આર.પ્રકરણમાં સામેલ ઈજારદાર એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કર્યા બાદ શાંત થઈ ગયેલ પાલિકા તંત્રએ આ ઈજારદાર એજન્સીઓના બહાર આવેલા ગંભીર કૃત્યો સામે “બ્લેક લિસ્ટ” કરવાની કાર્યવાહીઓની ફાઈલને જે પ્રમાણે અભરાઈએ મૂકી દીધી હતી આ મુદ્દાને ગોધરા નગર પાલિકાની અપક્ષ સદસ્યોની આ સરકાર ભૂલી જવા માંગતી હોવાના ચર્ચાઓ પણ શરૂ થવા પામી છે.
ગોધરા નગર પાલિકાના વિકાસ કાર્યો માટેની ટેન્ડર પ્રક્રિયાઓમાં કેટલાક ઈજારદાર એજન્સીઓ દ્વારા જે તે બેન્કોની રજૂ કરવામાં આવેલ એફ.ડી.આર.અને બેન્ક ગેરંટીઓ ડુપ્લીકેટ હોવાની લેખિત રજૂઆત પૂર્વ પ્રમુખ ગંગારામ હરવાણીએ કર્યા બાદ આ સ્ફોટક કારનામાઓનો પર્દાફાશ થયો હતો. એમા લુણાવાડા ના મનહર જે.પટેલ, ગોધરાના દિપક ગાંધી અને સુરતના એલ.ડી. એન્જીનીયરીંગ ઈજારદાર એજન્સીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ જે તે બેન્કોની એફ.ડી.આર. ડુપ્લીકેટ હોવાનું ચોંકાવનારુ ષડયંત્ર બહાર આવ્યું હતું!!
ગોધરા નગર પાલિકાના વહીવટી તંત્રને હચમચાવી દેનારા આ કારનામાઓ સામે અંતે પાલિકા ઈજનેર દ્વારા ગોધરા એ ડીવીઝનમાં પોલીસ ફરિયાદ પણ આપી હતી!! જો કે ગોધરા નગર પાલિકાની ટેન્ડર પ્રક્રિયાઓમાં જે તે બેન્કોની ડુપ્લીકેટ એફ.ડી.આર. રજૂ કરવાના આ કૌભાંડમાં સામેલ ઈજારદાર એજન્સીઓને “બ્લેક લિસ્ટ” કરવાની દરખાસ્તને રાજય સરકારમાં કરવાને બદલે આ કૌભાંડકારી ઈજારદાર એજન્સીઓની પ્રતિષ્ઠાઓ બચાવવાના ગત શાસકોના પ્રયાસોને શરણે ગયેલા પાલિકા તંત્રના આ વહીવટી ખેલોનો જાણે કે ગોધરા નગર પાલિકાના વર્તમાન અપક્ષ શાસકોએ સ્વીકાર કર્યો હોય એમ આ ડુપ્લીકેટ એફ.ડી.આર.ના મુદ્દાને સામાન્ય સભાના ઠરાવમાં ભૂલી જવામાં આવ્યો હોવાની શરૂ થયેલ ચર્ચાઓ પણ સૂચક છે કે મૌન છે.?!!

