Gujarat Weather Update: ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ વચ્ચે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં સક્રિય થયેલી ‘સાયકલોનિક અપર એર સિસ્ટમ’ના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે.

ક્યાં ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયા દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે રાજ્યના અન્ય છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે.
ગરમીનો પારો પણ ચઢશે
એક બાજુ વરસાદની આગાહી છે, તો બીજી બાજુ ગરમી પણ પોતાનો અસલી મિજાજ બતાવશે. આગામી 2 દિવસમાં રાજ્યમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. એટલે કે, ગુજરાતીઓએ ડબલ ઋતુનો અનુભવ કરવો પડશે.

છેલ્લા 24 કલાકના તાપમાન (Weather)ના આંકડા
છેલ્લા 24 કલાકમાં રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલા મહત્તમ તાપમાન પર નજર કરીએ તો, 34.2 ડિગ્રી તાપમાન સાથે કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં 31.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 31.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
સાયકલોનિક સિસ્ટમની અસર
હવામાન નિષ્ણાતોના મતે, રાજસ્થાનમાં સર્જાયેલી સાયકલોનિક અપર એર સિસ્ટમને કારણે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે. કમોસમી વરસાદની આ શક્યતાને જોતા ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાની લહેર જોવા મળી રહી છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે અચાનક માવઠાની એન્ટ્રી, 18થી 20 માર્ચ સુધી ગાજવીજ-ભારે પવન સાથે વરસાદની આગાહી
આ પણ વાંચો:માવઠાની એન્ટ્રી! ગુજરાતના આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ, ખેડૂતો અને જનતા માટે જાહેર થયું એલર્ટ
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદનો તાંડવ, 690 ગામોમાં PGVCLનો વીજ પુરવઠો ખોરવાયો
