Morbi News/ ઈરાન-ઇઝરાયલ યુદ્ધ : મોરબીના સિરામિક ઉદ્યોગ પર ભારે સંકટ

મોરબી Ceramic એસોસિએશને આગામી એક મહિના માટે તમામ કારખાનાં બંધ રાખવાનો ઐતિહાસિક સામૂહિક નિર્ણય લીધો

Gujarat Others
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક (Ceramic)ઉદ્યોગ પર જોવા મળી રહી છે

Morbi News : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક (Ceramic)ઉદ્યોગ પર જોવા મળી રહી છે. પહેલાથી જ ગેસની અછતને કારણે 450થી વધુ કારખાનાં બંધ થવાના સંજોગોમાં હવે એક્સપોર્ટમાં ભારે અવરોધ સર્જાયો છે, જેનાથી ઉદ્યોગકારોની ચિંતા વધતી જાય છે.

મોરબીમાંથી GCC દેશોમાં મોટા પ્રમાણમાં સિરામિક ટાઇલ્સનો નિકાસ કરવામાં આવે છે. પરંતુ યુદ્ધને કારણે દુબઈ, ઓમાન, શારજહા, કતાર અને કુવૈત જેવા દેશોના મુખ્ય પોર્ટ બંધ થઈ જતા મોરબીથી મોકલાયેલા કન્ટેનરો ગ્રાહકો સુધી પહોંચી શકતા નથી. હાલ અંદાજે 1500 જેટલા કન્ટેનર દરિયામાં ફરીને અથવા કંડલા અને મુંદ્રા પોર્ટ પરથી પાછાં ફરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

દર મહિને 15,000 કન્ટેનરનું એક્સપોર્ટ

મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા દર વર્ષે લગભગ ₹20,000 કરોડનું એક્સપોર્ટ થાય છે, જેમાંથી અંદાજે ₹5,000 કરોડનું એક્સપોર્ટ GCC દેશોમાં થાય છે. દર મહિને લગભગ 15,000 કન્ટેનર ટાઇલ્સ મિડલ ઈસ્ટ દેશોમાં મોકલવામાં આવતા હતા, પરંતુ હાલ આ પ્રવાહ લગભગ બંધ થયો છે.

પોર્ટ બંધ થતા કન્ટેનરો અટવાયા

28 ફેબ્રુઆરીએ દુબઈના પોર્ટ પર થયેલા હુમલા બાદ દુબઈ સહિત સલાલા (ઓમાન), ફૂજેરા (શારજહા), દોહા (કતાર) અને કુવૈતના પોર્ટ શિપિંગ માટે બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે કન્ટેનરો 10થી 15 દિવસ સુધી દરિયામાં અટવાઈ રહ્યા છે અને અંતે અન્ય પોર્ટ પર ઉતારી દેવામાં આવે છે અથવા પાછા મોકલવામાં આવે છે.

એક્સપોર્ટ ભાડામાં 5થી 10 ગણો વધારો

સામાન્ય રીતે મોરબીથી દુબઈ સુધી એક કન્ટેનર મોકલવાનું ભાડું ₹50-60 હજાર હતું, જે હવે વધીને ₹3 લાખ સુધી પહોંચી ગયું છે. છતાં પણ માલ ગ્રાહક સુધી પહોંચશે તેની કોઈ ખાતરી નથી. શિપિંગ લાઇન કંપનીઓ દ્વારા ભારે ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે, જેનાથી ઉદ્યોગકારો માટે “સોના કરતાં ઘડામણ મોંઘી” જેવી સ્થિતિ ઊભી થઈ છે.

ઉદ્યોગકારો માટે ડબલ માર

એક તરફ ગેસ અને પ્રોપેનની અછત તથા વધતા ભાવો, અને બીજી તરફ એક્સપોર્ટમાં અનિશ્ચિતતા—આ બન્ને પરિસ્થિતિઓએ મોરબીના ઉદ્યોગકારોને ભારે આર્થિક દબાણમાં મૂકી દીધા છે.

કારખાનાં બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી સિરામિક (Ceramic)એસોસિએશને આગામી એક મહિના માટે તમામ કારખાનાં બંધ રાખવાનો ઐતિહાસિક સામૂહિક નિર્ણય લીધો છે.


આ પણ વાંચો : મોરબીના સિરામીક ઉદ્યોગ માટે સારા સમાચાર, ચીનથી આયાત થતી ટાઇલ્સ પર ડ્યૂટી, એન્ટીડમ્પીંગ ડ્યૂટી લગાવવા કેન્દ્રનો નિર્ણય, પ્રતિ સ્કવેરફૂટ 10 રૂ. ટેક્સ લેવા નિર્ણય, દક્ષિણના

આ પણ વાંચો : રાજ્યમાં છેતરપિંડીના બનાવોમાં વધારો, મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિને ચૂનો લગાડનાર બે ઝડપાયા

આ પણ વાંચો : મોરબીના કયુટન સિરામિક ગ્રુપ પર આયકર વિભાગના દરોડા