Gujarat News: ગુજરાતમાં ઉનાળા (Heatwave Alert)નો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રાજ્યના પાંચ જિલ્લામાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે, જ્યારે કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.3°C તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં ગરમીમાં 1થી 2 ડિગ્રીનો વધારો નોંધાતા લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે.
અંગ દઝાડતી ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ પર લોકો છત્રી, દુપટ્ટા અને પાણીની બોટલ સાથે જોવા મળી રહ્યા છે. હાલ સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહ્યું છે, જ્યારે માત્ર દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધવાની આગાહી કરી છે. આગામી 7 દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લામાં હીટવેવ (Heatwave Alert)ની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ખાસ કરીને અમદાવાદ શહેર માટે આજથી આગામી 6 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વ રાજસ્થાન વિસ્તારમાં સક્રિય બનેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે આગામી 3 દિવસમાં તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
અમદાવાદમાં કાળઝાળ ગરમી
અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન 43.4°C નોંધાયું હતું, જે સામાન્ય કરતા લગભગ 2 ડિગ્રી વધુ છે. લઘુત્તમ તાપમાન 28°C નોંધાયું છે. શહેરમાં આખો દિવસ આકાશ મુખ્યત્વે સાફ રહેવાની શક્યતા છે.હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે.
ક્યાં રહેશે હીટવેવની અસર?
આગામી દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટવેવ (Heatwave Alert)ની અસર વધુ રહેશે. રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને સુરત સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગરમી (Heatwave Alert)થી બચવા નિષ્ણાતોની સલાહ
ડોક્ટરો અને નિષ્ણાતોએ લોકોને સીધા તડકામાં જવાનું ટાળવા, હળવા કપડાં પહેરવા અને શરીરમાં પાણીની કમી ન થવા દેવાની સલાહ આપી છે. વૃદ્ધો અને બાળકો માટે ખાસ સાવચેતી રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદનો કહેર, 11 મે પછી દઝાડતી ગરમી શરૂ: અંબાલાલ પટેલ
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી વધશે કે ઘટશે? હવામાન વિભાગે કરી ભયાનક આગાહી, જાણો તામારા શહેરનું તાપમાન
આ પણ વાંચો:ગરમીમાં શેકાયું ગુજરાત, અમદાવાદમાં 43.2, સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી તાપમાન
