PM Modi Jamnagar Visit: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પોતાના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવતા હોય, ત્યારે લોકોનો ઉત્સાહ આસમાને હોય તે સ્વાભાવિક છે. આગામી 10 અને 11 મેના રોજ પીએમ મોદી છોટી કાશી એટલે કે જામનગરની મુલાકાતે પધારી રહ્યા છે. વડાપ્રધાનના આ ભવ્ય આગમનને વધાવવા માટે આખું જામનગર શહેર અત્યારથી જ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

ઝળહળી ઊઠી સરકારી ઈમારતો
વડાપ્રધાન મોદી જામનગર એરફોર્સ સ્ટેશન પર ઉતરાણ કર્યા બાદ લાલ બંગલા સર્કલ સુધી જવાના છે. આ સમગ્ર રૂટને અદભુત અને ઝળહળતી રોશનીથી સજાવી દેવામાં આવ્યો છે. જામનગરના ઐતિહાસિક અને મુખ્ય વિસ્તારો જેવા કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ અને મહાકાળી સર્કલ પર વિશિષ્ટ લાઈટિંગ કરવામાં આવી છે. આ રોશનીને જોઈને જામનગરવાસીઓને અત્યારે જ દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ અનુભવાઈ રહ્યો છે.

સર્કલ પર ડોક્યુમેન્ટરી અને યોજનાઓનું નિદર્શન
શહેરના દરેક મુખ્ય સર્કલો પર માત્ર રોશની જ નહીં, પરંતુ પીએમ મોદીના અત્યાર સુધીના કાર્યકાળની સફળતા દર્શાવતી ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં અમલી બનેલી વિવિધ જન-કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મોનું લાઈવ નિદર્શન પણ લોકોને આકર્ષી રહ્યું છે.
લાલ બંગલા સર્કલે ભવ્ય જન-અભિવાદન અને ડાયરો
10 મી મેની સાંજ જામનગર માટે ઐતિહાસિક બની રહેવાની છે, જેમાં રાત્રે 7:30 કલાકે લાલ બંગલા સર્કલ ખાતે પીએમ મોદીના સ્વાગતમાં એક વિશાળ જન-અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવા માટે ગુજરાતના લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવી દ્વારા શાનદાર લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળીઓ દ્વારા પરંપરાગત હુડો રાસ, મણિયારો રાસ અને સિદી ધમાલ નૃત્યની રમઝટ બોલાવાશે, તેમજ સ્થાનિક અને ખ્યાતનામ કલાકારો દ્વારા વિવિધ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો:જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ (સ્કેમ) થી ખળભળાટ
આ પણ વાંચો:જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફરી ચર્ચામાં, છેતરપિંડી અને ઉચાપતનો નવો કિસ્સો
આ પણ વાંચો: જામનગર કોર્ટે ગોસાબારા RDX કેસમાં 12ને ઠેરવ્યા કસૂરવાર, જુઓ દોષિતોના નામ
