Jitu Vaghani Agriculture Minister Gujarat Statement: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અમદાવાદમાં મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં ભારે પવન અને વરસાદને કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવવા કૃષિ વિભાગને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

ક્લાઈમેટ ચેન્જના કારણે આવી પરિસ્થિતિ – Jitu Vaghani
કૃષિમંત્રીએ જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો છે. આ કુદરતી આફતને કારણે ઊભા પાકને થયેલા નુકસાન અંગે વહીવટી તંત્ર પાસેથી પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આ સાથે જ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો સર્વે કરવાની સૂચના પણ આપી દેવાઈ છે. ત્યારબાદ સર્વેનો આખરી રિપોર્ટ આવ્યા પછી રાજ્ય સરકાર નિયમોનુસાર ખેડૂતોને સહાય કરવા અંગે યોગ્ય નિર્ણય લેશે.

ખાતર માટે ખેડૂતો પરેશાન
બીજી તરફ, રશિયા-યુક્રેન યુદ્ધની સીધી અસર ગુજરાતના ખેડૂતો પર પણ જોવા મળી રહી છે. કૃષિમંત્રીએ સ્વીકાર્યું હતું કે યુદ્ધને કારણે ફર્ટિલાઇઝર (ખાતર)ની કિંમતોમાં વધારો થયો છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ છે. ખાતરની અછત ઉભી થતા યુદ્ધની આ સ્થિતિને કારણે ખેડૂતો ફર્ટિલાઇઝર મેળવવા માટે ફાંફાં મારી રહ્યા છે. જોકે, રાજ્ય અને કેન્દ્ર સરકાર આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા ખાસ ધ્યાન પણ આપવામાં આવી રહ્યું છે.
કૃષિમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ કૃષિ ક્ષેત્રને ઓછામાં ઓછી અસર થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: કૃષિમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત……કૃષિ રાહત પેકેજનું ઓનલાઈન પોર્ટલ 14 મી નવેમ્બરથી કાર્યરત..
આ પણ વાંચો: રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ તાપીના ખોડતળાવ ગામે પાક નુકસાનીનો તાગ મેળવ્યો
