ગુજરાત સરકાર ચૂંટણી નજીક આવતાની સાથે જે મહત્વના નિર્ણયો અને વિકાસલક્ષી કાર્યો ફટાફટ કરી રહી છે, એવામાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના ગાંધીનગર ખાતે યોજાયેલા દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમા રાજ્યપાલ,મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી જીતુવાઘાણી ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે.
૧. SCOPE પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય
શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વની જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા, મહાનગરપાલિકા કક્ષાએ G3Q ક્વિઝ વિજેતાઓને પ્રોત્સાહન રૂપે સ્કોપ, અમદાવાદ દ્વારા લેવાતી Cambridge English Placement Test (CEPT) પરીક્ષા જેની ફી રૂ.૪૫૦/- છે, જે પરીક્ષા વિનામૂલ્યે આપી શકે તે અંગેનો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ માટે રૂ. ૨૮ લાખની રકમ વિદ્યાર્થીઓના હિત અર્થે સ્કોપને ફાળવવા માટે સૈધાંતિક મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
૨. સ્પર્ધાત્મક પરીક્ષાની વિનામૂલ્યે તૈયારી માટે ‘સાફલ્ય’ ચેનલ શરૂ કરવાનો નિર્ણય
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ધોરણ ૧૨ તેમજ સ્નાતક બાદ UPSC-GPSC, POLICE, TET/TAT/HTAT, GSSSB, JEE, NEET, CAT, SLET, TOEFL જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવા માટે BISAGના માધ્યમથી ફ્રી ટુ એર ‘સાફલ્ય’ ચેનલ આગામી તા. ૮મી નવેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે, જેનું આજે મુખ્યમંત્રીશ્રી દ્વારા લૉન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ચેનલ પર સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે ૮ થી ૧૧ કલાકે અને તે જ કાર્યક્રમનું બપોરે ૪ થી ૯ દરમિયાન પુનઃપ્રસારણ કરવામાં આવશે. જેમાં IAS, IPS, સ્પીપા તેમજ સરકારમાં ૧૫ વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ યુનિવર્સિટીઓના પ્રોફેસરો-તજજ્ઞો દ્વારા વિવિધ સ્પર્ધાત્મક વિષયોનું શિક્ષણ આપવામાં આવશે. જેના પરિણામે રાજ્યભરના હજારો વિદ્યાર્થીઓને ઘરેબેઠા વિનામૂલ્યો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તક મળશે.
૩. TET-1 અને TET-2 પરીક્ષા માટે મહત્વનો નિર્ણય
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હવે બી.એડ., પીટીસી, ચાર વર્ષીય બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, સ્પેશિયલ બી.એડ. વગેરે કોર્સમાં છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ TET-1 અને TET-2 પરીક્ષા આપી શકશે. આ નિર્ણયથી છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં હજારો વિદ્યાર્થીઓને લાભ મળશે.
