Gujarat News : ગુજરાત હાઇકોર્ટમાં કચ્છના મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના 12 જેટલા અરજદારોએ 2011માં જાહેર હિતની અરજી કરી હતી. ગૌચર માટે 200થી 300 એકરની જમીનની જરૂર હતી. ત્યારે ફક્ત 40 એકર જમીન જ ગ્રામજનો પાસે હતી. ત્યારે સરકારે 2013માં 1331 એકર આપવા કહ્યું હતું. જોકે એફિડેવિટ ફાઈલ કરીને તેમની પાસે 8 એકર જણાવ્યું હતું. મુદ્દો સુપ્રીમ સુધી પહોંચ્યો હતો.ત્યારે ચાલુ વર્ષે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચે ગૌચરની જમીન ગામના લોકોને પરત આપવા આદેશ કર્યો છે. અદાણીએ હવે આ જમીન પરત આપવી પડશે, અદાણી પાસેથી 100 હેક્ટર જેટલી જમીન પરત નવીનાળના લોકોને આપવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટમાં કચ્છના મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના 12 જેટલા અરજદારોએ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં ગામની ગૌચરની જમીન વર્ષ 2005માં અદાણી મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ને આપી દેવામાં આવી હોવાથી ગામમાં કોઈ ગૌચર જમીન બચી નથી. તેથી તે ગૌચર જમીન માટે અરજદારોએ અરજી કરી હતી. ત્યારબાદ અલગ અલગ સુનાવણીઓમાં કેન્દ્ર સરકારે પણ કમિટીની રચના કરી હતી.સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન અંતર્ગતના ઉદ્યોગો જંગલ, વન્યજીવન, મેંગૃવ વગેરે અસર કરે છે કે કેમ? તે પણ જોવામાં આવ્યું હતું. હાઇકોર્ટે પણ નોંધ્યું હતું કે, કચ્છ જેવો વિસ્તાર જે ગરમ પ્રદેશ છે, ત્યાં ઢોરને બચાવવા ગૌચર જમીનની જરૂર છે. હાઇકોર્ટમાં અરજી થતાં શરૂઆતમાં સરકારે SEZમાં આવતા ગામના લોકોને પૂરતી ગૌચર જમીન આપવા બાહેધરી આપી હતી. પરંતુ ત્યારબાદ ખૂબ ઓછી જમીન આપી શકાય તેમ જણાવ્યું હતું અને હાઇકોર્ટનો ઓર્ડર પાળી શકાય તેમ નથી તેમ જણાવ્યું હતું. સરકારે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી, તો મેટર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે મેરીટના આધારે હાઈકોર્ટને નિર્ણય લેવા જણાવ્યું હતું.
નવીનાળ ગામની આશરે 276 એકર જેટલી જમીન સરકારે મુન્દ્રા પોર્ટને આપી હતી. જ્યારે ગામના પ્રાણીઓને જોતા 310 એકર ગૌચર જમીનની જરૂર છે. ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સરકારે જણાવ્યું હતું કે, સમયાંતરે નવીનાળ ગામમાં 700થી વધુ પ્રાણીઓ છે. કુલ 129 હેક્ટર જેટલી જમીન ગ્રામવાસીઓને મળી શકે તેમ છે. જે સંદર્ભે કોર્ટે રેવન્યૂ વિભાગના સેક્રેટરી અને કલેક્ટર સહિતની એફિડેવિટ માગી હતી. એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, આ 129 હેક્ટર જમીનમાં જંગલની જમીન નહીં હોય. કોર્ટે નોંધ્યું હતું કે, ગૌચરની જમીન એ લોકોના ઉપયોગની જમીન છે.સરકારે જે ગૌચર જમીન આપવા પ્રસ્તાવ મૂક્યો હતો, તેમાં સરકારી જમીન અને મોટાભાગની જમીન ગામથી સાતથી આઠ કિલોમીટર દૂર હોવાથી હાઇકોર્ટે તેમની દરખાસ્ત ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું કે કચ્છના ભૌગોલિક વિસ્તાર અને તાપમાનને જોતા પશુઓને લઈને 7થી 8 કિલોમીટર દૂર જવું તે અશક્ય છે. ગૌચર જમીન કોઈને આપી શકાય નહીં તેવી ટીપ્પણી હાઇકોર્ટે કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, સરકારી પોલિસી લોકોના ભલા માટે હોય! હાઇકોર્ટે અદાણી પાસેથી જમીન લઈને ગ્રામજનોને પાછી આપવા સખત વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે, સરકારી વકીલે અદાણીના વકીલ બનવાની જરૂર નથી.
આથી સરકારે ઠરાવ કર્યો હતો કે, ગામ અને સરકાર ઉપરાંત ગૌચરની પૂરતી જમીન અદાણી પાસેથી લઈને ગામને આપવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે, જમીન કાગળ ઉપર નહીં, પરંતુ ખરેખરમાં પરત આપવામાં આવે એ માટે પગલા લેવા પણ નિર્દેશ આપ્યા હતા. અદાણી તરફે વકીલે કોર્ટના હુકમનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2005માં તેમને રૂપિયા આપીને આ જમીન મેળવી હતી. ત્યારે જો સરકારે આ જમીન મેળવવી હોય તો તેનું સંપાદન કરવું પડે. કારણ કે ત્યાં કોપર ફેક્ટરી લાગી ચૂકી છે. જોકે, હાઇકોર્ટે અદાણીના વકીલને દાદ ન આપતા કહ્યું હતું કે, વર્ષ 2005માં જે સરકારે નિર્ણય લીધો હતો, તે ખોટો હતો, હવે તેને સુધારવામાં આવી રહ્યો છે. સરકારના ઠરાવને ચેલેન્જ કરવા જણાવ્યું હતું.
ગ્રામજનો વતી લડત આપતા એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, ત્યારે 2005માં એકસાથે 22માંથી અદાણી SEZના 17 ગામની ગૌચર જમીન આશરે 2600 એકર મગફળી અને મફતના ભાવે આપી દીધી. શરૂઆતમાં તો ખબર ન પડી, જેમજેમ લોકોને ખબર પડતી ગઈ તેમતેમ એ લોકો એને પડકારતાં ગયા. નવીનાળ ગ્રામપંચાયત મુન્દ્રા તાલુકાનું એક ગામ છે. જે 22માંથી એક ગામ છે અદાણી SEZ અંદરનું. એમના લોકોએ ભેગા થઈને ગુજરાત હાઈકોર્ટમાં 2011માં આ ગૌચરને આપતો ઠરાવ ચેલેન્જ કર્યો. કે સાહેબ 200-300 એકર જમીનની જરૂર છે, ત્યારે અમારી માટે 40 એકર જમીન રાખી મૂકો છો. 231થી 270 એકર જમીન 2005માં આપો છો એ કેટલેઅંશે વ્યાજબી છે. ગામ પાસે ગૌચર રહેતું નથી, તો કચ્છના અમારા ગામના ઢોરો શું કરશે.
2013માં નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારે ઠરાવ કર્યો કે 231 એકર જમીન આપી છે, પણ અમે 1331 એકર કરતાં વધારે જમીન પાછી આપી છે. 2014માં નરેન્દ્રભાઈ લોકસભાની ચૂંટણી જીત્યાં અને વડાપ્રધાન થયાં. તરત જ ગુજરાત સરકારે રિવ્યૂ પિટિશન ફાઈલ કરી, માફ કરજો અમારી પાસે 1331 એકર જમીન જ નથી. અમારી પાસે ફક્ત 8 એકર જમીન આપવા માટે છે. એટલે અમારો નિર્ણય અમે પાછો લઈએ છીએ. રિવ્યૂ કરીને ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યુ. અમે સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટે કહ્યું, આ સમગ્ર બાબતે ગુજરાત હાઈકોર્ટે કન્સિડર કરી અને આનો આખરી નિર્ણય ગુણદોષ પર લેવો.
2024માં ચીફ જસ્ટિસ સુનીતા અગરવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ મેટર આવી. ગૌચરની જમીનની માલિક સરકાર નથી, લોકો તેના માલિક છે. 2005માં તમે જે સાચવવાની હતી લોકો માટે એની કરતાં તમે વેચી નાખી એ ગેરકાયદેસર છે. તમે જેટલી જમીન આપી હતી અદાણી SEZને એટલી જ જમીન તમારે તેમને પાછી આપવી પડશે નહીંતર અમારે ઓર્ડર કરવો પડશે. સરકારે 7 કિલોમીટર દૂરના ગામમાં જમીન આપવાનો વિચાર કર્યો. ગ્રામજનોએ વિરોધ કર્યો અને ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું કે, ઢોરો સાત કિલોમીટર દૂર ચાલીને ચરવા ન જાય. વચ્ચે અદાણીની સરહદો આવે. હાઈકોર્ટે સ્વીકાર કરીને એવું કહ્યું કે, એજ ગામની અંદર તમારે ગૌચરની જમીન આપવા ના હોય, તો અદાણીને આપેલી જમીન પાછી આપો. પાછી લો. હાઈકોર્ટ અડીને રહ્યું. આજે ગુજરાત સરકારે ઠરાવ પણ કર્યો કે, ગુજરાત હાઈકોર્ટના 19 4 2024ના આદેશ પ્રમાણે અમે અદાણી SEZને 2005માં જમીન આપી હતી. એ જમીન અને એ ઉપરાંત અત્યારે પ્રાણીઓની સંખ્યા (ઢોર અને માલઢોર સંખ્યા)ને ધ્યાનમાં રાખીને 282 એકર જમીન અમે અદાણી પાસેથી અને અમારી પાસેથી લઈને ગૌચરના નામ હેઠળ નવીનાળ ગામને પાછી તબદીલ કરીએ છીએ.
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…
આ પણ વાંચો:અમદાવાદમાં બિલ્ડરોની ભાગીદારીનો ભોગ બનતી પ્રજા
આ પણ વાંચો:ડીસામાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર ‘તેમના રાજકુમારે OBC સમાજનું અપનામ કર્યું’
