અમદાવાદ,
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ગરમી-ઠંડીની સાથે સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ગુજરાતમાં સોમવાર સાંજથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને મંગળવારની સવારે પણ વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ થતાં હજારો લોકોનું આરોગ્ય પણ કથળ્યું હતું.
રાજ્યમાં સોમવારે મોડી રાતથી આજ સવાર સુધીમાં અરવલ્લી, મહેસાણા, અંબાજી, બહુચરાજી તેમજ વિસનગરના ગામોમાં હળવા છાંટા જોવા મળ્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ તેમજ મહેમદાવાદ, બારેજડી, કનીજમાં પણ ગત મોડી રાત્રે વરસાદી છાંટા પડવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
મંગળવારે મધ્યગુજરાતમાં પણ ગોધરા, પંચમહાલ, કલોલ , બેચરાજી તેમજ પાટણમાં પણ વરસાદી માવઠાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
તો બીજી બાજુ સાયલા, લીંબડી, લખતર, અમરેલી, બાબરા અને સાવરકુંડલામાં પણ હળવા છાંટા જોવા મળ્યા હતા.
વાતાવરણમાં આવેલા પલટા અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ‘ પંજાબ અને તેની આજુબાજુના વિસ્તારમાં ૧.૫ કિલોમીટરે દરિયાઈ ઊંચાઈનું વેસ્ટર્ન ડીસ્ટબન્સ સાયકલોનીક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે અને જે દક્ષિણ રાજસ્થાન સુધી ફેલાયેલું છે. જેને કારણે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા છાંટાનો માહોલ જોવા મળી શકે છે. આ વાતાવરણ હજુ ૨૪ કલાક સુધી રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, વાતાવરણમાં થઇ રહેલા વેસ્ટર્ન ડીસ્ટબન્સને કારણે અમદાવાદ, સુરત , ભુજ, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર સહીત તમામ શહેરોમાં મંગળવારે વાદળછાયું વતાવરણ રહેશે.
વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો છે. તો બીજી બાજુ ગુજરાતના ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણના લીધે ઘઉં, જુવાર, જીરું, વરીયાળી, દાડમ, આંબો, રાયડાના પાકને લીધે નુકશાન થઇ શકે છે. સૌથી વધુ અસર કેરીના પાકને થશે. વાદળછાયા વાતાવરણને લીધે કેરીના ફૂલ ખરી શકે છે અને કેરીના પાકમાં હોપર મેંગો નામની જીવાત પણ થઇ શકે છે. જો માવઠું થાય તો ખેતરોમાં ઉભા પાકને નુકશાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.
મહત્વનું છે કે, આની પહેલા પણ ઓખી વાવાઝોડાનો કમોસમી વરસાદથી પણ શિયાળુ પાક પર અસર થવાની ભીંતી ખેડૂતોમાં જોવા મળી હતી.
લગ્નો અટવાયા
રાજ્યમાં હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે અને ત્રણ દિવસમાં ૧૦,૦૦૦થી પણ વધુ લગ્ન નોંધાયા છે. વરસાદી વાતાવરણમાં માહોલના લીધે લગ્નવાળા પણ મુંઝવણમાં મુકાયા છે. લગ્ન માટે ખુલ્લા પાર્ટી પ્લોટ જેમણે નોંધાવ્યા છે તે તમામ લોકો પણ વરસાદી વાતાવરણના કારણે ચિંતામાં મુકાયા છે.
