Australia News : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે 62 વર્ષની ઉમરે વરરાજા બન્યા અને લગન કર્યા છે. સાથે સાથે PM પદે રહીને લગ્ન કરનારા પહેલા ઓસ્ટ્રેલિયન નેતા બન્યા છે. તેમણે જોડી હેડન સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝના કેનબેરાના ધ લોજ (અલ્બેનીઝનું ઘર) ખાતે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા છે. અલ્બેનીઝના આ બીજા લગ્ન છે. અલ્બેનીઝે ગયા વર્ષે વેલેન્ટાઇન ડે પર હેડનને પ્રપોઝ કર્યું હતું. તેમના લગ્ન તે સમયથી ચર્ચાનો વિષય બન્યા હતા.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝના આ લગ્નમાં ઘણાં સરકારી સભ્યો હાજર રહ્યા હતા.
જેમાં કેબિનેટ મંત્રીઓ પેની વોંગ, જીમ ચામર્સ, રિચાર્ડ માર્લ્સ કેટી ગેલાઘર અને અભિનેતા રાયસ મુલ્ડૂનનો સમાવેશ થાય છે. હેડનની પાંચ વર્ષની ભત્રીજી એલા અને તેમના ભાઈ પેટ્રિક પણ આ લગ્નના સાક્ષી બન્યા હતા. વરરાજા ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનને લગ્ન બાદ દેશભરમાંથી અભિનંદન મળ્યા હતા.
Married💍❤️💍 pic.twitter.com/mSzojtBF2I
— Anthony Albanese (@AlboMP) November 29, 2025
લગ્નમાં ચૂંટણીને કારણે વિલંબ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝેના લગ્ન ગયા વર્ષે થવાની ચર્ચા હતી. જોકે ચૂંટણીને કારણે તે મુલતવી રાખવામાં આવ્યા હતા. અલ્બેનીઝે આ વર્ષે મે મહિનામાં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવી હતી. જો તેઓ ફરીથી વડાપ્રધાન ન બન્યા હોત, તો તેઓ બે મહિનાના હનીમૂન પર ગયા હોત, એમ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે જૂનમાં કહ્યું હતું. આ દંપતી હવે બે અઠવાડિયાના હનીમૂન પર જશે. એન્થોની અલ્બેનીઝે પહેલા લગ્ન 2000માં કાર્મેલ ટેબ્બટ સાથે કર્યા હતા. NSW ના ભૂતપૂર્વ રાજકારણી કાર્મેલ ટેબ્બટ સાથે એન્થોનીના 2019માં 19 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો. તેમને પહેલા લગ્નથી એક પુત્ર નાથન છે. આ પછી, હવે બીજી વાર 62 વર્ષીય એન્થોનીએ લગ્ન કર્યા છે.
જોડી હેડન કોણ છે?
46 વર્ષીય હેડનનો જન્મ બેંક્સટાઉનમાં થયો હતો. NSW સેન્ટ્રલ કોસ્ટ પર તેમનો ઉછેર થયો હતો. તેણીએ મોટી નાણાકીય સંસ્થાઓ અને ઉદ્યોગ ભંડોળમાં બે દાયકાથી સુપરએન્યુએશન ક્ષેત્રમાં કામ કર્યું છે. હેડન અલ્બેનીસ કરતા 16 વર્ષ નાની છે. હેડન એક શાળા શિક્ષકની પુત્રી છે. તે સુપરએન્યુએશન ઉદ્યોગમાં પહેલાથી જ નામના મેળવી ચૂકી છે.
માર્ચ 2020 માં મેલબોર્નમાં અલ્બેનીસ અને હેડન એક ડિનર ઇવેન્ટમાં મળ્યા હતા જ્યાં તેમની વચ્ચે મિત્રતા થઈ હતી.. અલ્બેનીસએ ઓસ્ટ્રેલિયન વિમેન્સ વીકલીને જણાવ્યું હતું કે કેવી રીતે ન્યૂટાઉનમાં યંગ હેનરી ખાતે પીણું એકસાથે જીવન તરફ દોરી ગયું.
છેલ્લા 30 વર્ષથી એન્થોની અલ્બેનીઝ સંસદ સભ્ય અને 2022 થી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન છે. એક સામાન્ય પરિવારમાંથી ઉછરીને અલ્બેનીઝ ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ બન્યા. આ વર્ષે મે મહિનામાં તેઓ ચૂંટણી જીતીને સતત બીજી વખત વડા પ્રધાન બન્યા હતા.
