ગાંધીનગર શહેરમાં સેક્ટર-17માં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી અમદાવાદની પેઢીએ લોન લઈને વ્યાજ સહીત રૂપિયા સાડા દસ કરોડનો ચૂનો લગાડ્યો હોવાની ઘટના સામે આવી છે. બેંકે પેઢી સામે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, ઓમપ્રકાશ ગણપતલાલ એન્ડ કંપનીએ ખાતું ખોલાવી પેઢીના ભાગીદારોએ સાડા સાત કરોડ રૂપિયાની કેશ ક્રેડિટ લોન લીધી હતી. ઉપરાંત જામીન પેટે મુકેલો ખાદ્યતેલનો જથ્થો પણ બારોબાર વેચી નાખ્યો હતો. બેંક દ્વારા પેઢીના બે ભાગીદાર, એક વહીવટદાર અને ગેરંટર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જણાવી દઈએ કે, આરોપી પેઢીની 2013માં કેશ ક્રેડિટ લિમિટ પાંચ કરોડથી વધારીને સાડા સાત કરોડ કરી હતી. સિક્યોરિટી પેટે એક ફ્લેટ પણ મોર્ગેજ કરવામાં આવ્યો હતો.
બેંક અધિકારીઓએ તેમની પ્રાઈમ સિક્યુરિટી અંગે ચકાસણી કરતા બહાર આવ્યું કે આ ભાગીદારોએ મળીને દિવાળી દરમિયાન બેંકની જાણ બહાર જ પ્રાઈમ સિક્યુરીટી પેટે મુકેલો તૈયાર ખાદ્યતેલનો જથ્થો તથા ટેન્કમાં ભરેલા લુસ ઓઈલનો જથ્થો પણ બારોબાર ગોડાઉનમાંથી વેચી મારી ગોડાઉન બીજા કોઈને ભાડે આપી દીધું હતું.
