અમદાવાદ,
દેશ અને રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં દુષ્કર્મની ઘટનાઓમાં ગંભીર રીતે વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં બનેલી દુષ્કર્મની એક ઘટના આ સમયે યાદ આવી રહી છે. જે ઘટનામાં એક નહીં પણ 4-4 બાળકીઓ પર બળાત્કાર થયો હતો. આ ઘટનાને આજે 11 વર્ષ જેટલો સમય થઈ ગયો. તેમ છતાં આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે અને 4 પીડિત બાળકીઓને હજુ પણ ન્યાય નથી મળ્યો.
અમદાવાના મેઘાણીનગર વિસ્તારમા જ્યાં ગંદકીથી ખદબદતી ચાલીઓ, સાંકડા રસ્તા, ગીચતા વચ્ચે જીવતા લોકો. મજુરી કરી પેટીયું રળતા શ્રમીક પરપ્રાંતિય પરિવારો જ્યાં આજથી 11 વર્ષ પહેલા 4-4 બાળકીઓ પર દુષ્કર્મ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. વર્ષ 2006માં આ વિસ્તારમાં એક નરાધમે એવું કૃત્ય કર્યુ હતું કે તેને શોધવા માટે પોલીસ પરેશાન થઈ ગઈ હતી. જો કે તેમ છતાં તે હજુ હાથમાં તો નથી જ આવ્યો.
આ નરાધમ માસુમ બાળકીઓને શિકાર બનાવતો હતો. માસુમ બાળકીઓને ચોકલેટની લાલચ આપી એરપોર્ટની અંધારી અને અવાવરુ જગ્યાએ લઈ જતો હતો અને તેમના પર દુષ્કર્મ ગુજારતો હતો. પંદર દિવસમાં ચાર જેટલી માસુમ બાળકીઓને તેણે પોતાની હવસનો શિકાર બનાવી હતી.
જયારે એક બાળકીને નરાધમ બાળકી પર દુષ્કર્મ કરવા માટે સોસાયટીની દીવાલ પાછળ લઇ ગયો. તે સમયે ત્યાના રહેવાસીઓ જોઈ જતા તે નરાધમ ત્યાંથી ભાગી ગયો હતો અને બાળકી દુષ્કર્મની શિકાર બનતા બચી ગઈ હતી. પરંતુ તે આરોપીને પોલીસ આજ સુધી પકડી શકી નથી.
ક્રમબદ્ધ રીતે માસુમ બાળકીઓ પર દુષ્કર્મની આ ઘટનાએ પરપ્રાંતિય લોકોમાં આતંક મચાવી દીધો હતો. સેક્સ મેનીયાકના સીરીયલ રેપના ભયાનક કરતુતો અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર દ્વારા આ કેસની તપાસ તત્કાલીન ક્રાઈમબ્રાંચના એસીપી પરિક્ષિતા ગુર્જરને સોંપવામાં આવી હતી.
તત્કાલીન એસીપી પરિક્ષિતા ગુર્જર અને તેમની ટીમી આરોપીને ઝડપી લેવા માટે અનેક દિવસો સુધી તનતોડ મહેનત કરી. રાતદિવસ એક કર્યા. સાયન્ટીફીક એવીડન્સ અને ઈન્વેસ્ટીગેશનના આધાર પર અનેક દિશાઓમાં તપાસ કરવામાં આવી હતી. અન્ય દુષ્કર્મ કેસના આરોપીઓની પણ સઘન પૂછપરછ કરવામાં આવી. તેમ છતાં 4 બાળાઓનો ગુનેગાર હજુ સુધી સકંજામાં નથી આવ્યો.
