મંતવ્ય ન્યૂઝ,
આ વર્ષે દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે. જેને કારણે આ વર્ષે રેકોર્ડબ્રેક રીતે બાજરીનો વીસ કિલોનો ભાવ ૪૦૦ થી ૪૭૧ રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં ૩૦૦ રૂપિયાની આસપાસ રહેતો. આ ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાજરીના વાવેતરમાં ખેડૂતોમાં પણ રસકસ ઓછો જોવા મળી રહ્યો હોવાથી માંગ સાથે પુરવઠો ઘટતા ભાવ તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયા હોવાનું જાણકારોનું માનવું છે.
બાજરીના વાવેતર વિસ્તારમાં જંગી ઘટાડો
ગુજરાતમાં આજથી સાત-આઠ વર્ષ પહેલા પાંચથી છ લાખ હેક્ટરમાં ઉનાળું બાજરીનું વાવેતર જોવા મળતું હતું. જે ઉનાળા વાવેતરમાં સમગ્ર દેશમાં મોખરે હતું. હાલ બાજરીનો વાવેતર વિસ્તાર ઘટીને માંડ ૧.૩૦ લાખથી માંડીને ૨ લાખ હેક્ટર સુધી નો જ રહી જવા પામ્યો છે. આમ વિવિધ કારણોસર બાજરીનો વાવેતર વિસ્તાર ૭૫ ટકા સુધીનો ઘટી ગયો છે.
બાજરીના વાવેતરમાં પણ ઘટાડો
દેશમાં રાજસ્થાન બાદ ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે. ગુજરાતમાં બનાસકાંઠા, ખેડા-આણંદ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં બાજરી સારી એવી પાકતી હોય છે. પરંતુ છેલ્લા બ-એક વર્ષથી આ વર્ષે ઓછા વરસાદના કારણે તેમજ સિંચાઇ માટે નર્મદાનું પાણી ન મળતા બાજરીનું વાવેતર ઘટયું છે.
