ભુજ શહેરના વોર્ડ નંબર 2 માં પાણીની અનિયમિતતાના મુદ્દે રહેવાસીઓ પાલીકા કચેરીમાં ધસી આવ્યા હતા. અને ઉગ્ર રજૂઆતો કરી હતી. રજૂઆતો બાદ પાલીકા પ્રમુખે નિયમિત પાણી આપવાનું આશ્વાસન આપ્યું હતું. શહેરના વોર્ડ નંબર 2 માં આવેલા ગાંધી નગરી, ગીતા કોટેજીસ, સમા ફળીયા, વાવ ફળીયા, શિવ નગર, શેખ ફળીયા, બાપા દયાળુ નગર, ચાંદ ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી અનિયમિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો.
પાલીકા એક તરફ શહેરમાં નિયમિત પાણી વિતરણ થતું હોવાના દાવાઓ કરે છે પરંતુ આ દાવાઓ પોકળ સાબિત થયા છે. આ બાબતે અનેકવાર રજૂઆતો છતાં યોગ્ય રીતે પાણી વિતરણ કરવામાં આવતું નથી.આ વિસ્તારમાં લાખો લીટર પાણીની સંગ્રહ ક્ષમતાનો ટાંકો હોવા છતાં વાલ્વમેન દ્વારા પાણી વિતરણ ન કરાતું હોવાના આક્ષેપ કરાયા છે.
પાલિકાકચેરીમાં કાઉન્સિલર અને સ્થાનિકોએ ભેગા મળી પાલીકા પ્રમુખ અને કારોબારી ચેરમેનને રજૂઆતો કરી હતી. પ્રમુખે યોગ્ય રીતે પાણી વિતરણ કરવાની ખાતરી આપી હતી….
