Ahmedabad AI Cow Identification Project : ગુજરાત સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) હવે રખડતા પશુઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે અત્યાધુનિક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) નો સહારો લેવા જઈ રહી છે. જે રીતે ગુનેગારોને પકડવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે, તે જ રીતે હવે ગાયના નાકની ડિઝાઇનના આધારે તેને અને તેના માલિકને પકડી પાડવામાં આવશે.
Ahmedabad : સ્માર્ટ સિટીનો સ્માર્ટ પ્લાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન હેઠળ ગાંધીનગર ગિફ્ટ સિટી સ્થિત AI સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આ ખાસ મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી AMC ની ટીમ સીસીટીવી ફૂટેજ જોઈને ગાયમાં લાગેલી માઇક્રોચીપ કે RFID ટેગના આધારે મેન્યુઅલી માલિકને શોધતી હતી, જેમાં ઘણો સમય જતો હતો. હવે AI ટેક્નોલોજી આ કામ સેકન્ડોમાં કરી દેશે.
![]()
ગાયનું નાક બનશે તેનું ‘બાયોમેટ્રિક ID’
એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ડીપ લર્નિંગ AI મોડેલ દ્વારા હવે દરેક ગાયના નાકની યુનિક ડિઝાઇન (Muzzle Print) અને તેના ચહેરાના ખાસ નિશાન સ્કેન કરીને તેની ચોક્કસ ઓળખ કરવામાં આવશે. ગાયની આંખો, ચહેરા પરના ડાઘ કે કોઈ ખાસ નિશાનને પણ આ મોડેલ સ્કેન કરી લેશે. શહેરના 126 સ્માર્ટ કેમેરા દ્વારા જેવી ગાય રસ્તા પર દેખાશે, કે તરત જ AI સિસ્ટમ તેને ઓળખી કાઢશે અને ડેટાબેઝ સાથે મેચ કરી માલિકની તમામ વિગતો રજૂ કરી દેશે.
Ahmedabadમાં 1.10 લાખ ગાયોનો ડેટાબેઝ તૈયાર
અમદાવાદમાં અત્યારે અંદાજે 1 લાખ 10 હજાર જેટલી ગાયોમાં RFID ટેગ અને માઇક્રોચીપ લગાવેલી છે. આ ડેટાબેઝને AI મોડેલ સાથે જોડી દેવામાં આવશે. આ પાયલટ પ્રોજેક્ટ સફળ રહેતા રખડતા પશુઓને કારણે થતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે
આ પણ વાંચો: વડોદરામાં વિફરેલી ગાયે ઢોર શાખાના કર્મીને જ અડફટે લીધો
આ પણ વાંચો: AIથી અશ્લીલ છબીઓ બનાવવા પર પ્રતિબંધ, X એ Grok અંગે નિયમો કડક બનાવ્યા
આ પણ વાંચો: જામનગરમાં બાળકીને ગાયે કચડતા ચકચાર
