Ahmedabad News : વૃદ્ધ વ્યક્તિઓને ચાલવામાં કે અન્ય શારીરિક તકલીફ હોવાનો લાભ લઈ પોતાને ફિઝિયોથેરાપી (Physiotherapists)ના ડોકટર તરીકે ઓળખ આપી ઘેર જઈ સારવારના બહાને મોટી રકમ પડાવનાર આરોપીને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે.
પોલીસ કમિશ્નર જી.એસ. મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, નાયબ પોલીસ કમિશ્નર ડો. લવીના સિન્હા તથા મદદનીશ પોલીસ કમિશ્નર હાર્દિક માકડિયાના માર્ગદર્શન હેઠળ તમામ બેંકોના નોડલ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ અજાણ્યા વ્યક્તિને મોટી રકમ આપતો જણાય તો સાયબર ક્રાઇમ બ્રાંચને તાત્કાલિક જાણ કરવી.
આ અનુસંધાને બેંક ઓફ બરોડા, ડ્રાઇવ-ઇન રોડ શાખાના મેનેજર દ્વારા જાણ કરવામાં આવી કે એક સીનિયર સિટિઝન છેલ્લા બે દિવસથી પોતાની એફ.ડી.માંથી મોટી રકમ ઉપાડી રહ્યા છે, જે બાબતે બેંક કર્મચારીઓને ‘ડિજિટલ અરેસ્ટ’ અથવા છેતરપિંડીની શંકા ગઈ હતી.
ખોટી રીતે ફિઝિયોથેરાપિસ્ટ (Physiotherapists)બની તેમના ઘરે જઈ સારવાર કરતો હતો
માહિતી મળતાં સાયબર ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સપેક્ટર જે.પી. ઠાકોર તથા તેમની ટીમ બેંક ખાતે પહોંચ્યા હતા. બેંકના સીસીટીવી ફૂટેજની તપાસ દરમ્યાન એક ઇસમ સતત વૃદ્ધની રેકી કરતો હોવાનું જણાયું. તપાસ અને પુછપરછમાં ખુલ્યું કે આરોપીઓ એકલા રહેતા અને શારીરિક રીતે અશક્ત વૃદ્ધોને રસ્તા પર રોકી ડોકટરનો રેફરન્સ આપીને ખોટી રીતે ફિઝિયોથેરાપિસ્ટ (Physiotherapists)બની તેમના ઘરે જઈ સારવાર કરતા હતા.
આરોપીઓ સોય મારવાની પ્રક્રિયા કરીને ખોટું “કાળું લોહી” નીકળે છે તેમ બતાવી એક ટીપાનો અંદાજે રૂ. 7,000 જેટલો ચાર્જ વસૂલતા હતા તથા કોઈપણ પ્રકારના ડોકટરી દસ્તાવેજ આપતા નહોતા. ત્યારબાદ વૃદ્ધ વ્યક્તિ બેંકમાંથી નાણા ઉપાડે ત્યારે તેની રેકી કરીને ઘર સુધી પહોંચ્યા બાદ કુલ રૂ. 4,00,000 જેટલી રકમ લૂંટવામાં આવી હતી, જેમાંથી રૂ. 2,70,000 જેટલી રકમ ઉપાડી બચાવી લેવામાં આવી હતી.
ખોટી રીતે ફિઝિયોથેરાપિસ્ટ (Physiotherapists)બની છેતરપિંડી કરવાના આ પ્રકરણમાં બેંક ખાતે રેકી કરતો આરોપી મોહમ્મદ અમજદ મોહમ્મદ મેહમુદ, રહેવાસી – અંતા, બારાં, રાજસ્થાનને પકડી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

