Jamnagar News: જામનગરમાં કિરીટ જોષી હત્યાના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સામે ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવી. જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં મામલે ફરિયાદ નોંધાઈ. જયશે પટેલ જામનગરમાં ભૂ-માફિયા તરીકે કુખ્યાત છે અને તેમના ભાઈ ધર્મેશ રાણપરિયા પણ તેમના ગોરખધંધામાં સાથ આપી રહ્યા છે. જામનગરમાં પંચકોશી બી.ડિવિઝન પોલીસ મથકમાં કારખાનેદારે ફરિયાદ નોંધાવી. આ ફરિયાદમાં જણાવ્યું કે ધર્મેશ રાણપરિયાએ વ્યાજની પઠાણી ઉઘરાણી ઉપરાંત બળજબરીપૂર્વ મશીનરી પડાવી લીધી હતી.
પોલીસ ફરિયાદ કરનાર કારખાનેદાર લાલજીભાઈ સવજીભાઈ મારકણા શહેરના રણજીતસાગર રોડ પર આવેલ પટેલ પાર્ક સોસાયટીમાં રહે છે. લાલજીભાઈએ પોતાનું કારખાનું ચલાવવા માટે કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા પાસેથી વ્યાજે 25 લાખ રૂપિયા લીધા હતા. લાલજીભાઈએ વ્યાજે લીધેલ રકમ પર બજાર કરતાં વધુ 10 ટકા લેખે ઊંચુ વ્યાજ ચૂકવતા હતા. તેમની ગણતરી મુજબ એપ્રિલ 2024 સુધીમાં તેમણે 26 લાખ રૂપિયા ચૂકવ્યા છે છતાં પણ ધર્મેશ રાણપરિયા દ્વારા વારંવાર વ્યાજ વસૂલાત માટે ધમકી આપવામાં આવતી હતી.
કારખાનેદારની ફરિયાદ મુજબ ધર્મેશ રાણપરિયા પૈસાની વસુલાત કરવા કારખાનામાં ધસી આવ્યો અને 10,78,000નો સામાન જબરજસ્તીથી લઈ ગયો. અને તે સામાનની કિમંત પણ ના ચૂકવી. દિવસેને દિવસે જયેશ પટેલના ભાઈ ધર્મશ રાણપરિયાની દાદાગીરી વધતા આખરે કંટાળીને કારખાનેદાર લાલજીભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આઈપીસી કલમ 384 તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ 5,39,40 અને 42 મુજબ ધર્મેશ રાણપરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
