અરવલ્લી,
અરવલ્લી જિલ્લામાં ખાબકેલ ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલ વરસાદથી મેઘરજ તાલુકાના અંતરિયાળ અને રાજસ્થાનની સરહદ પર આવેલા છીટાદરા હિમ્મતપુર રોડ પર આવેલ માજુમ નદી પર બનાવવામાં આવેલો પુલ બેસી જવા પામ્યો છે.
જો કે આ ધડામ થયેલા આ પુલની ખાસ વાત એ છે કે, આ પુલ કરોડો રૂપિયાના ખર્ચે માત્ર ૬ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો, જે હવે બેસી ગયો છે ત્યારે એક ભ્રષ્ટ તંત્રની પોલ સામે આવી છે.

વાત કરવામાં આવે અરવલ્લી જિલ્લાની તો, આ જિલ્લો એ સરહદ પર આવેલો છે અને અહીયાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને માંડ માંડ હજુ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે.
૬ મહિના પહેલા બનાવવામાં આવેલા પુલના બે બીમ બેસી ગયા
મેઘરજ તાલુકાના છીટાદરા અને હિમ્મતપુર વચ્ચે માજુમ નદી પર વર્ષોની ગ્રામજનોની માંગણી પ્રમાણે પુલ મંજૂર થયો હતો. જો કે આ માર્ગ પર પુલ બન્યાને હજુ માંડ ૬ મહિના થયા હશે ત્યારે રવિવારે પંથકમાં થયેલા સાર્વત્રિક વરસાદ અને ઉપર વાસમાં પણ થયેલા ભારે વરસાદના કારણે માજુમ નદીમાં પુષ્કળ પાણી આવ્યું હતું અને આ નદી પર કરોડોના ખર્ચે બનાવેલ પુલના બે બીમ એકદમ બેસી ગયા હતા.
જો કે આ ઘટના બાદ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટ નીતિ અહીંયા છતી થયેલી જોવા મળે છે, ત્યારે તંત્ર ની પોલ ખુલવા પામી હતી.

આ પુલનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો પુલનો વચ્ચેનો ભાગ બિલકુલ બેસી ગયેલો જોવા મળ્યો હતો અને જે રીતે નાવડી વચ્ચેના ભાગેથી ઢળેલી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
લોકોની વર્ષોની માંગણી બાદ આ પુલ થયો હતો મંજૂર
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના લોકોની વર્ષોની માંગણી બાદ આ પુલ મજૂર થયો હતો અને તંત્રની બેડકારી અને કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતના કારણે આ પુલ બેસી ગયો છે ત્યારે આ પુલના બંને બાજુના ૧૫થી વધુ ગામના પ્રજાજનોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.
વિદ્યાર્થીઓ તેમજ પ્રજાજનોને આવ્યો હાલાકી વેઠવાનો વારો

આ ઉપરાંત, આ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને છીટાદરા અભ્યાસ માટે આવવું પડે છે, દરરોજ ૨ એસટી બસોથી આસપાસના ૧૦ ગામના વિદ્યાર્થીઓ સ્કૂલે અભ્યાસ માટે જતા હતા જે હવે આ પુલ બેસી જવાથી એસટી બસ પણ બંધ થઈ ગઈ અને તમામ વિદ્યાર્થીઓને ૫ કિલોમીટર ચાલીને જવાનો વારો આવ્યો છે.
બીજી બાજુ પ્રજાજનોને પણ વાહન બંધ થતાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે હવે ખૂબ ઝડપથી આ પુલનું રીપેરીંગ કરવામાં આવે અને આ માટે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને યોગ્ય સજા કરવામાં આવે એવી સ્થાનિક લોકો અને વિદ્યાથીઓની માંગ છે.
મામલતદારે કર્યો તંત્રનો લૂલો બચાવ

આ સમગ્ર બાબતે મેઘરજ તાલુકાના મામલતદારને પૂછતાં તેઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને પુલના બે બીમ અને સ્લેબ બેસી ગયો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ આ મામલે સંબંધિત અધિકારીને જાણ કરી યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું.
જો કે આ પુલની નબળી કામગીરી બાબતે પૂછતાં આ ટેક્નિકલ બાબત છે, એમ કહી તંત્રનો લૂલો બચાવ કર્યો હતો.
