- 22થી 29 ઓક્ટોબર વચ્ચે જાહેરનામું બહાર પડી શકે
- ચૂંટણી બે તબક્કામાં યોજાય તેવી સંભાવના
- પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવ પૂર્વે જ ચૂંટણી પૂરી કરાઈ શકે
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી એકથી પાંચ ડિસેમ્બર પહેલા યોજાય તેવા સંકેતો મળ્યા છે અને 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશના પરિણામની સાથે જ ગુજરાતનું ચૂંટણી પરિણામ જાહેર થશે તેમ કહેવાય છે. આ માટે ચૂંટણી યોજવાની તારીખની જાહેરાત ધનતેરસથી લાભપાંચમ સુધીમાં થઈ શકે છે.
ચૂંટણીનું જાહેરનામુ 22થી 29 ઓક્ટોબરની વચ્ચે બહાર પડી શકે છે. આમ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે. જો ચૂંટણી બે તબક્કામાં યોજાય તો કોંગ્રેસ તેની સામે વિરોધ નોંધાવી શકે છે.
ગુજરાતમાં આગામી સમયમાં વડાપ્રધાનના પ્રવાસ છે તેને જોતાં તે તો નક્કી જ હતું કે હિમાચલ પ્રદેશની તારીખોની જાહેરાતની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત નહી જ કરાય. આ સંજોગોમાં ધનતેરસથી લઈને લાભપાંચમ સુધીમાં અથવા તો તેના પછી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તેમ માનવામાં આવતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે 19થી 20 ઓક્ટોબર દરમિયાન આવવાના છે, તેના પછી તે 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ છે ત્યારે પણ આવી શકે છે.
બીજી મહત્વની વાત એ છે કે ડિસેમ્બરમાં 10થી 15 તારીખની વચ્ચે પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવ છે. તેથી જો તેના પહેલા ચૂંટણી યોજાય તો વિદેશથી આવતા ગુજરાતીઓ પણ મોટા પ્રમાણમાં મતદાન કરી શકે તેમ માનવામાં આવે છે. વડાપ્રધાન પોતે પણ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દિ મહોત્સવમાં ભાગ લેવાની પહેલેથી જ જાહેરાત કરીને ચૂંટણી પૂર્વે બહુ મોટા વર્ગને પોતાના તરફ આકર્ષી શકે છે.
