ગાંધીનગર
ગુજરાતનું 2019-20નું બજેટ આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી એવા નીતિન પટેલ રજુ કરશે. આ વર્ષે આવતા ચાર મહિનામાં જ લોકસભાની ચૂંટણી આવતી હોવાને કારણે રાજ્ય સરકાર પૂર્ણ બજેટના બદલે વચગાળાનું બજેટ (લેખાનુદાન) રજૂ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્ય વિધાનસભા સવારે 11 કલાકે શરૂ થવાની છે. પ્રથમ કલાક પ્રશ્નોત્તરી માટે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ બપોરે 12.00 કલાકે નાણામંત્રી નીતિન પટેલ અંદાજપત્ર રજુ કરશે.
લોકસભાની ચૂંટણીઓ અને ખેડુતોથી લઇને બેરોજગાર મધ્યમવર્ગના યુવાનોના સવાલોનો સામનો કરી રહેલ રાજ્ય સરકાર આ બજેટમાં રાહત અને સહાયની અનેક જાહેરાતો કરી શકે છે.
આ વચગાળાના બજેટ અંતર્ગત સરકાર ચાર મહિનાનો ખર્ચ મંજૂર કરાવી લેશે, ત્યારબાદ ચૂંટણી પછી સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. રાજ્યના નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતનું બજેટ જૂન અથવા જુલાઇ મહિનામાં રજૂ કરાશે.
ગુજરાત વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે સોમવારે કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટેની કાર્યવાહી ચાલી રહી હતી. સીએમ રૂપાણીએ શહીદોનો શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ રજૂ કર્યો તે દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ શહીદોને શ્રદ્ધાંજલિને બદલે રાજકીય આક્ષેપો અને અવલોકનો કરતા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ટકોર કરવી પડી હતી.
સત્ર દરમિયાન ગુજરાત દુકાન અને સંસ્થા(રોજગાર નિયમન અને સેવાની શરતો) વિધેયક, ગુજરાત ખેત-જમીન ટોચ મર્યાદા(સુધારા) વિધેયક, ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ(સુધારા) વિધેયક અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિ. કોર્પોરેશન(સુધારા) વિધેયક રજૂ થશે. સત્રમાં બુધ, ગુરુવારે બે બે બેઠક મળશે.
ગયા વર્ષે 1.83 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગયા વર્ષે મંગળવારે 20 ફેબ્રુઆરીના રોજ ર૦૧૮-૧૯નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં કોઇ નવા કરવેરા નથી કે કોઈ કર રાહતો આપવામાં આવી ન હતી. ગયા વર્ષે બજેટનું કુલ કદ રૂ.૧,૮૩,૬૬૬ કરોડ રખાયું હતું. અંદાજ અનુસારની પુરાંત રૂ. ૭,૮૩,૦ર રહી હતી. એકંદરે અંદાજીત પુરાંત રૂ. ૮૮૯.૩૪ કરોડ હતી.
