ગુજરાતની ચૂંટણીઓમાં ઉમેદવારની પસંદગીને લઇને કોંગ્રેસે કેટલાંક નિયમોમાં ફેરફાર કર્યા છે.જે ઉમેદવારો બે ટર્મ ચૂંટણી હાર્યા હોય તેને ટીકીટ નહીં આપવાનો નિયમ ગત 2012ની ચૂંટણીઓમાં ગુજરાત કોંગ્રેસ બનાવ્યો હતો.જો કે આ વખતે આ નિયમમાં ફેરફાર કરીને બે વાર ચૂંટણી હાર્યા હોય તેને પણ ટીકીટ આપવાનું નક્કી કર્યું છે.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના જણાવ્યા પ્રમાણે જે ઉમેદવાર બે વાર ઇલેક્શન હાર્યા હશે તેના નામ પર પણ વિચારણા થશે.

ભરતસિંહ સોલંકીના જણાવ્યા પ્રમાણે જે ઉમેદવારો 20 હજાર કરતાં વધુ મતે હાર્યા હશે તેના નામ પર પણ વિચારણાં થશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે અગાઉ 20 હજારથી વધુ મતે હારેલાંઓને ટીકીટ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો.જો કે આવનાર ચૂંટણીઓમાં કોંગ્રેસે આ નિયમમાં પણ ફેરફાર કર્યો છે.કોંગ્રેસે બીજા પણ કેટલાંક મહત્વના નિયમો બદલ્યાં છે.

કોંગ્રસના ગુજરાતના સીનીયર નેતાઓ અહેમદ પટેલ,ભરતસિંહ સોલંકી સાથે પક્ષના વાઇસ પ્રેસીડન્ટ રાહુલ ગાંધી સાથે તાજેતરમાં દિલ્હીમાં મીટીંગ મળી હતી.આ મીટીંગમાં કેટલાંક મહત્વના નિર્ણયો લેવાયા હતા.ભરતસિંહ સોલંકીના જણાવ્યા પ્રમાણે જે ઉમેદવારોની ઉંમર 70 વર્ષથી વધુ હશે તેના નામ પર પણ વિચારણાં થશે.
કોંગ્રેસે આવનાર ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઇને સ્ક્રીનીંગ કમિટી બનાવી છે.આ કમિટીએ ઉંમર કે બીજા નિયમોને બાદ કરીને ઇલેક્શન જીતી શકે તેવા તમામ ઉમેદવારોના નામ પર વિચારણાં કરી છે.
