સુરત,
નારાયણ સાંઇ રેપ કેસ મામલે સુરતની એડીશનલ સેશન્સ કોર્ટે આજે સજા સંભળાવી હતી. કોર્ટે નારાયણ સાંઇને યુવતી પર રેપ કરવા બદલ આજીવન કેદની સજા સંભળાવી હતી,જ્યારે આ દુષ્કૃત્યમાં મદદગારી કરનાર ગંગા,જમના અને હનુમાનને 10 વર્ષની કેદની સજા સંભળાવી હતી. કોર્ટે અન્ય આરોપી રમેશ મલ્હોત્રાને 6 મહિનાની કેદની સજા સંભળાવી હતી.
કોર્ટે પીડીતાને 5 લાખનું વળતર આપવા પણ આદેશ કર્યો છે.
સુરત સેશન્સ કોર્ટે આ અગાઉ 26 એપ્રિલે આ ચકચારભર્યા કેસમાં ચુકાદો સંભળાવતા નારાયણ સાંઇ સહિત પાંચ આરોપીઓને દોષિત માન્યા હતા.
આજે દોષિતોને સજા સંભળાવતા નારાયણ સાંઇને આજીવન કેદની સજાની સાથે સાથે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે ગંગા,જમુના અને હનુમાનને 5000 હજાર અને રમેશને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કોર્ટમાં સજા ઓછી કરવા માટે નારાયણ સાંઇના વકિલે લાંબી દલીલો કરી હતી. નારાયણ સાંઇના વકિલે એમ પણ કહ્યું કે તેઓ 5 વર્ષથી જેલની સજા કાપી રહ્યાં છે. સામે પક્ષે સરકારી વકિલે કોર્ટને જણાવ્યું કે નારાયણે ધાર્મિક સ્થાનના ઉચ્ચ દરજ્જા પર બેસીને ગુનો કર્યો હોય તેને મહત્તમ જન્મટીપની સજા મળવી જોઈએ.ફરિયાદી પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું છે. અહીં પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ છે.
કોર્ટમાં સજાની જોગવાઇ અંગે દલીલો ચાલતી હતી ત્યારે નારાયણ સાંઈએ લખવા માટે કાગળ પેન માંગ્યા હતા.નારાયણ સાંઈએ કાગળમાં લખ્યું કે તેને 26 તારીખે દોષી જાહેર કરવામાં આવ્યા છે તેના પર પુનઃ વિચાર કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે સુરતના જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર વર્ષ 2002માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ 11 વર્ષ બાદ એટલે કે 2013માં થઈ હતી. ફરિયાદ બાદ નારાયણની 58 દિવસ બાદ કુરુક્ષેત્રથી ધરપકડ કરવામાં આવી હતી.
