Gujarat Cybercrime Graph: ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી વધવાની સાથે-સાથે સાયબર ગુનેગારોની જાળ પણ વધુ મજબૂત અને ખતરનાક બની રહી છે. રાજ્યમાં સાયબર ક્રાઇમનો ગ્રાફ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં ઇન્ટરનેટ ફ્રોડના કેસોમાં 30 ટકાનો ઉછાળો નોંધાયો છે. સીઆઈડી (ક્રાઈમ) અને ગુજરાત પોલીસ દ્વારા સતત વધારવામાં આવી રહેલી તકેદારી તેમજ સરકારના અવેરનેસ કેમ્પેઈન છતાં, ડિજિટલ ઠગબાજો પોલીસની સિસ્ટમ કરતાં બે કદમ આગળ ચાલી રહ્યા છે. તાજેતરના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ 2025 ના શરૂઆતના માત્ર 9 જ મહિનામાં (સપ્ટેમ્બર સુધીમાં) સાયબર માફિયાઓએ ગુજરાતના ભોળા નાગરિકોને ખંખેરીને ₹1011 કરોડથી વધુની રકમ સેરવી લીધી છે.
ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સાયબર ગઠિયાઓ માટે સૌથી કમાઉ સાધન
ડેટા એનાલિસિસ દર્શાવે છે કે, ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ માટે શેરબજાર અને ઘરબેઠા કમાણીના નામે થતા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સૌથી વધુ નફાકારક સાબિત થઈ રહ્યા છે. ઊંચા વળતરની લાલચ આપીને માત્ર રોકાણ સંબંધિત સ્કીમોમાં જ 9240 નાગરિકો સાથે ₹397 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે, જ્યારે આ સિવાય ફેક આઈડી, ઓટીપી (OTP) સ્કેમ અને ક્રેડિટ કાર્ડ બ્લોક થવાના બહાના હેઠળ અધિકારીઓની ઓળખ આપીને 27,816 પીડિતો પાસેથી ₹137 કરોડ પડાવી લેવાયા છે.
Cybercrime : કલાકના 6 થી વધીને હવે દર કલાકે 21 ફરિયાદો!
છેલ્લા પાંચ વર્ષમાં ગુનાની ગતિ કેટલી ઝડપી બની છે તેનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. વર્ષ 2020માં રાજ્યમાં રોજના સરેરાશ 155 સાયબર ફ્રોડના કોલ કે ફરિયાદો આવતી હતી, એટલે કે દર કલાકે અંદાજે 6 કમ્પ્લેઇન નોંધાતી હતી, જે આંકડો વર્ષ 2025 માં આકાશને આંબી ગયો છે અને હવે રોજના સરેરાશ 521 કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેનો અર્થ એ થયો કે દર એક કલાકે 21 નાગરિકો ડિજિટલ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. પાંચ વર્ષના સમગ્ર ગાળાની વાત કરીએ તો, કુલ 4.81 લાખ ફરિયાદો નોંધાઈ છે અને નાગરિકોએ કુલ મળીને ₹3387 કરોડની મોટી મૂડી ગુમાવી છે, જોકે, પ્રતિ ફરિયાદ સરેરાશ નુકસાનની રકમ 2020 માં ₹70,313 હતી, જે 2025 માં મામૂલી વધીને ₹71,204 થઈ છે.
વૃદ્ધો અને પેન્શનર્સ બન્યા સોફ્ટ ટાર્ગેટ
સાયબર એક્સપર્ટ્સના મતે, ગુનેગારોએ હવે પોતાની કામ કરવાની પદ્ધતિ (Modus Operandi) બદલી નાખી છે. તેઓ હવે ઘરમાં એકલા રહેતા સિનિયર સિટીઝન્સ, નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનર્સને વધુ નિશાન બનાવી રહ્યા છે. સીબીઆઈ (CBI), કસ્ટમ્સ કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી બનીને ફોન કરવા અને ‘ડિજિટલ હાઉસ અરેસ્ટ’ (Digital House Arrest) ની ધમકી આપીને ડરાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો કાનૂની કાર્યવાહી અને જેલના ડરથી ગભરાઈને પોતાના આખી જિંદગીની જમાપુંજી આવા ગઠિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દે છે. પોલીસ અધિકારીઓ વારંવાર અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ પર ધરપકડ કે નાણાંની માંગણી કરતી નથી, તેથી જાગૃતિ જ આ ગુનાઓ સામેનું સૌથી મોટું હથિયાર છે.
આ પણ વાંચો: સાયબર ક્રાઇમ થયો હોય તો સમયસર ફરિયાદ જ છે બચાવનો માર્ગ
આ પણ વાંચો: સરહદ પારના મોટા સાયબર ક્રાઇમ નેટવર્કનો ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે કર્યો પર્દાફાશ
આ પણ વાંચો: સુરતમાં સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાસ
