અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ને નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન અંતર્ગત એવોર્ડ તરીકે નિયત રકમ પ્રાપ્ત થયેલી છે. આ રકમમાંથી જીટીયુ દ્વારા 19મી ડિસેમ્બરના રોજ ડૉ. એપીજે અબ્દુલ કલામ મેમોરિયલ લેકચર સિરીઝના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર (ISRO-SAC)ના નિયામક ડૉ.તપન મિશ્રા લેક્ચર આપશે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે આ અંગે જણાવ્યું હતું કે, મિસાઇલ ગુરૂ ડૉ. એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ પ્રસંગે ગત વર્ષે યોજવામાં આવેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં જીટીયુને શ્રેષ્ઠ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ વિકસાવવા માટે બીજું પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

આ પારિતોષિક અંતર્ગત મળેલી આ રકમમાંથી ડૉ. એપીજે અબ્દુલ કલામ મેમોરિયલ લેક્ચર સિરીઝ યોજવામાં આવે છે. જેના પ્રથમ કાર્યક્રમમાં આઈઆઈએમના ભૂતપૂર્વ પ્રોફેસર અનિલ ગુપ્તાને બોલાવવામાં આવ્યા હતા.
હવે આગામી તા. 19 ડિસેમ્બરના રોજ આવો બીજો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ઈસરો- સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના નિયામક ડૉ. તપન મિશ્રાના લેકચરનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ પણ અગાઉના કાર્યક્રમ જેટલો જ રસપ્રદ બની રહે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોનું પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતર થાય તેના માટે વિદ્યાર્થીઓને સઘન તાલીમ આપવામાં આવે છે.
આ ઉપરાંત કો-વર્કિંગ સ્પેસ અને ભંડોળ પણ પૂરૂં પાડવામાં આવે છે. જીટીયુ દ્વારા કુલ 41 સ્ટાર્ટ અપ પ્રોજેક્ટને આશરે રૂ. 1.3 કરોડની સહાય આપવામાં આવી છે.
