Gujarat Local Body Elections/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ‘ઓપરેશન લોટસ’ સામે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ‘ઓપરેશન લોટસ’ સામે Congressએ ‘મિશન અજ્ઞાત’ શરૂ કર્યું. સુરત, રાજકોટ, કલોલ, નવસારી અને પોરબંદરના 170 થી વધુ કોંગ્રેસ ઉમેદવારોને ફોન બંધ કરાવી અજ્ઞાત સ્થળે (સેફ હાઉસમાં) ખસેડવામાં આવ્યા.

Top Stories Gujarat Others
Congress Mission Agyat

Congress Mission Agyat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા એક પછી એક બેઠકો બિનહરીફ જીતવાના શરૂ થયેલા સિલસિલાએ કોંગ્રેસની ઊંઘ હરામ કરી દીધી છે. ઉમેદવારોના હોર્સ ટ્રેડિંગ (ખરીદ-વેચાણ) અને છેલ્લી ઘડીએ ફોર્મ પાછા ખેંચી લેવાના ડરથી ફફડતી કોંગ્રેસે હવે પોતાના ઉમેદવારોને બચાવવા માટે ‘મિશન અજ્ઞાત’ (ઉમેદવાર બચાવો અભિયાન) શરૂ કરી દીધું છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી, ‘ઓપરેશન લોટસ’ નો શિકાર બનતા રોકવા કોંગ્રેસે પોતાના 170 થી વધુ ઉમેદવારોના ફોન બંધ કરાવી તેમને ગુપ્ત સ્થળોએ છુપાવી દીધા છે.

સુરતમાં ‘સેફ હાઉસ’ ની કિલ્લેબંધી

લોકસભા ચૂંટણી વખતના સુરતના ‘નિલેશ કુંભાણી પ્રકરણ’ પરથી પાઠ ભણીને કોંગ્રેસ હવે કોઈ જોખમ લેવા માંગતી નથી. આ ‘કુંભાણી ફોબિયા’ ના કારણે સુરત મહાનગરપાલિકાના 40 જેટલા મજબૂત ઉમેદવારોને શહેરથી દૂર 11 અલગ-અલગ સિક્રેટ લોકેશન (સેફ હાઉસ) પર ખસેડવામાં આવ્યા છે. અહીં ઉમેદવારોના મોબાઈલ ફોન જમા લઈ લેવાયા છે અને પરિવાર કે અન્ય કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરવા પર કડક પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. એટલું જ નહીં, દરેક ઉમેદવાર પર નજર રાખવા માટે બે ગુપ્ત ‘શેડો’ કાર્યકરો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

કઈ પાલિકાના કેટલા ઉમેદવારો અંડરગ્રાઉન્ડ?

ચૂંટણી પહેલા ફોર્મ પાછા ખેંચાવવા માટે ઉમેદવારોનો સંપર્ક થઈ રહ્યો હોવાની બાતમી મળતા જ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્દેશથી નીચે મુજબના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે:

રાજકોટ મહાનગરપાલિકા: 40 ઉમેદવારો

સુરત મહાનગરપાલિકા: 40 ઉમેદવારો

પોરબંદર મહાનગરપાલિકા: 35 ઉમેદવારો

નવસારી પાલિકા: 35 ઉમેદવારો

કલોલ નગરપાલિકા: 20 ઉમેદવારો

Congress એલર્ટ મોડમાં

કોંગ્રેસની આ ગભરાહટ પાછળનું મુખ્ય કારણ કલોલ અને નવસારીમાં ભાજપે મારેલી બાજી છે.

કલોલ નગરપાલિકા: કલોલમાં ચૂંટણી પહેલા જ ભાજપ 4 બેઠકો પર બિનહરીફ વિજેતા બની ગયું છે. વોર્ડ નં. 5, 6, 8 અને 10 ની સીટો પર ભાજપના ઉમેદવારો (ધર્મેન્દ્ર પટેલ, ભગવતી બ્રહ્મભટ્ટ, ફતેસિંહ ઠાકોર અને જયશ્રીબેન પટેલ) બિનહરીફ ચૂંટાયા છે. આ જોઈને કોંગ્રેસે તાત્કાલિક પોતાના બાકીના 20 ઉમેદવારોને સગેવગે કરી દીધા છે.

નવસારી: બીજી તરફ, નવસારી જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની 42 જેટલી બેઠકો બિનહરીફ થતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે અને પોતાના 35 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દીધા છે.

કોંગ્રેસ ચૂંટણી પંચના શરણે જશે

આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસ પક્ષે ભાજપ પર સરકારી મશીનરીના દુરુપયોગનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ચૂંટણી દરમિયાન ગેરરીતિ થતી હોવાના અને કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ગેરકાયદેસર રીતે રદ્દ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું એક વિશેષ ડેલિગેશન આજે સાંજે રાજ્ય ચૂંટણી આયોગને લેખિતમાં રજૂઆત કરી ધા નાખશે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર