ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એન્જિનિયરીંગની પરીક્ષાના પાસિંગ માર્ક્સમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકેડેમિક કાઉન્સિલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી લેખિત પરીક્ષામાં પાસિંગ માર્ક્સ 23ના બદલે 28 રહેશે. તેમજ ઇન્ટર્નલ પરીક્ષામાં કુલ 30માંથી પાસ થવા 12 માર્કસ લાવવા પડશે. જેનો અમલ નવા શૈક્ષણિક સત્ર 2019-20થી અમલ કરવામાં આવશે.

જીટીયુની તાજેતરમાં ઍકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં અલગ-અલગ ફેકલ્ટીના અભ્યાસક્રમ અને પરીક્ષા સંબંધિત બાબતો અંગે વિચારણા કરવામાં આવી હતી, જેમાં અભ્યાસક્રમ માં ફેરફારની સાથે ખાસ કરીને વિદ્યાર્થીઅોને પરીક્ષામાં પાસિંગ માર્ક્સ અંગે મહત્ત્વની ભલામણ બોર્ડ અોફ ગવર્નરને કરવામાં આવી હતી.
ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતની જુદા જુદા કોર્સમાં કુલ બે પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે, જેમાં કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં કુલ 30માંથી પાસ થવા માટે 12 માર્ક્સ લાવવા પડે છે. આ માર્ક્સની ગણતરી કરીએ તો 40 ટકા પૂરા થઇ જાય છે.
