આજથી નવા વર્ષની શરૂઆત થાય છે. ત્યારે સૌપ્રથમ તો મંતવ્ય ન્યુઝના તમામ દર્શકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારું નવું વર્ષ આપના જીવનમાં શુભત્વ, સુખશાંતિ અને સુખાકારી લાવે તેવી ઈશ્વરને પ્રાર્થના.
કારતક સુદ એકમને ગુરુવારના દિવસે ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી એટલે કે બેસતુવર્ષ મનાવવામાં આવશે. આ દિવસે લોકો નવા કપડાં પહેરી નવા વર્ષની ઉજવણી કરશે. આ સિવાય શહેરનાં અનેક મંદિરોમાં નવા વર્ષની ઉજવણી કરવાની સાથે અન્નકૂટ અને ગોવર્ધનોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાને ભવ્ય શણગાર કરવામાં આવશે.
ગુજરાતીઓમાં નવા વર્ષનું ખૂબ મહત્વ રહેલું છે. બેસતાં વર્ષના દિવસે પ્રાતઃકાળે વહેલાં ઉઠીને લોકો પ્રથમ તો મંદિરમાં દર્શનાર્થે જાય છે. ઈશ્વરના દર્શન કરીને વડીલોના આશીર્વાદ લઈને આપણે સગાવ્હાલાં અને મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે જતાં હોઈએ છીએ.
વિક્રમ સંવતના પ્રથમ માસના પ્રથમ દિવસને એટલે કે કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ. ખાસ કરીને ગુજરાતમાં નૂતન વર્ષનું અનેરું મહત્ત્વ છે. દીવાળીની આતશબાજીમાં વીતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી દેવામાં આવે છે. દીવાળી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઊર્જા લઈને આવે છે. નવા વર્ષ સાથે નવા સં કલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂર્ણ કરવા માટે વડીલોના આશિષ મેળવવવામાં આવે છે.
હવે નવા વર્ષની ઉજવણીમાં પણ નવીનતા જોવા મળે છે. ટેક્નોલોજીનો આવિષ્કાર ઉજવણીને પ્રભાવિત કરે છે. શુભેચ્છા કાર્ડ્સનું સ્થાન હવે ઇ-મેલ અને એસએમએસે લઈ લીધું છે. સોશિઅલ સાઇટ્સનો પણ નૂતન વર્ષની ઉજવણીમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે.
