ગુજરાત રાજયમાં પ્રિ મોનસૂનની તૈયારીઓ થઈ ચૂકી છે. સામાન્ય રીતે રાજ્યમાં જૂન મહિનાના બીજા વિકથી રાજ્યમાં ચોમાસુ શરૂ થતું હોય છે. ત્યારે હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાક વિસ્તારો વરસાદ તો ક્યાક વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયના અનેક જીલ્લામાં આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આણંદ, વડોદરા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર થશે. જેમાં પવનની ગતિ પણ 30થી 40 KM પ્રતિ કલાકની રહી શકે છે.
થન્ડર સ્ટોર્મની અસરથી રાજ્યના 5 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાથે જ પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા 10 વધુ મકાનોના પતરાં ઉડ્યા હતા. આ ઉપરાંત લીંબડીમાં વીજળી પડવાથી એકનું મોત થયું હોવાનું જાણવા મળે છે.
ગઈકાલે અમરેલી પંથકમાં ધોધમાર ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ પંથકમાં હળવા-ભારે ઝાપટાં વરસ્યા બાદ આજે પણ અમરેલી જિ.ના સાવરકુંડલામાં આજે અર્ધો ઈંચ (૧૨ મિ.મિ.) વરસાદ સાંજ સુધીમાં નોંધાયો છે અને લીલીયા પંથકમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલો છે જેથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
