Gandhinagar News/ ગુજરાતમાં એક મહિનાની હેલ્મેટ ડ્રાઈવમાં 5 કરોડથી વધુનો દંડ

Gujarat Traffic Police Mega Drive: ગુજરાતમાં 1 થી 31 મે દરમિયાન ચાલેલી વિશેષ હેલ્મેટ ડ્રાઈવમાં 1.88 લાખ વાહનચાલકો પાસેથી રૂ. 5.21 કરોડનો દંડ વસૂલાયો છે, જેમાં 5,123 સરકારી કર્મચારીઓ પણ સામેલ છે.

Gujarat Gandhinagar Top Stories
Gujarat Police Helmet Drive

Gujarat Police Helmet Drive : ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં હોમાતી કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા એક બહુ જ મોટું અને કડક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન પોલીસે કાયદાનો કોરડો વીંઝતા સામાન્ય જનતા સહિત નિયમ ભંગ કરનારા હજારો સરકારી બાબુઓને પણ આડે હાથ લીધા છે અને કરોડો રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

સરકારી કચેરીઓના ગેટ પર જ Police ગોઠવાઈ

ગુજરાત પોલીસે આ ડ્રાઈવ દરમિયાન સાબિત કરી દીધું છે કે ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પણ દરેક માટે બિલકુલ સમાન છે. આ ઝુંબેશ અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓના પ્રવેશદ્વારે (મેઈન ગેટ) જ ટ્રાફિક પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઑફિસે આવતા-જતાં સમયે હેલ્મેટ વગર પકડાયેલા 5123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ નિયમભંગ કરનારા સરકારી બાબુઓ પાસેથી કુલ રૂ. 16.58 લાખનો મસમોટો દંડ વસૂલવામાં આવ્યો છે, જેને પગલે સરકારી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

1.88 લાખ વાહનચાલકો પાસેથી દંડ વસૂલાયો

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, આ એક મહિનાની રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશમાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓ સહિત કુલ 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક લાલઆંખ કરી હતી. હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા સુરક્ષાના નિયમોનો સરેઆમ ભંગ કરનારા આ વાહનચાલકો પાસેથી કુલ રૂ. 5.21 કરોડની માતબર રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે.

‘દંડ વસૂલવો એ લક્ષ્ય નથી, જિંદગી બચાવવી એ અમારો સંકલ્પ છે’

આ વિશેષ ઝુંબેશ અંગે રાજ્યના પોલીસ વડા (DGP) જી.એસ.મલિકે નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપૂર્વક પાલન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, “દંડ વસૂલવો એ ગુજરાત પોલીસનું કોઈ લક્ષ્ય નથી, પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અમારો અડગ સંકલ્પ છે. વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિ માત્ર પોલીસના ડરથી કે દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારની ખુશીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ અચૂક પહેરે. માર્ગ સુરક્ષા એ માત્ર પોલીસની જ નહીં, આપણા સૌની સામૂહિક જવાબદારી છે. કોઈ પણ પરિવાર પોતાના વ્હાલસોયા સ્વજનને અકસ્માતમાં ગુમાવવાનો આજીવન વસવસો ન ભોગવે તે જ પોલીસનો આશય છે.”


આ પણ વાંચો:  સુરતમાં હર્ષ સંઘવીનો સંદેશ, હેલ્મેટ ન પહેરનારને દંડ નહીં, ફૂલ આપી સમજાવો

આ પણ વાંચો: ગુજરાતમાં હેલ્મેટ કૌભાંડ: ટ્યુશન જતા વિદ્યાર્થીઓની જીવ લે તેવી બેદરકારી

આ પણ વાંચો:  રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ : ‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’