Harsh Sanghavi Helmet Statement: સુરતના તાપી કિનારે માત્ર અઢી મહિનાના ટૂંકા સમયગાળામાં નિર્માણ પામેલા ‘અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન’ના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) અલગ જ અંદાજમાં નજરે પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે ગંભીર પરંતુ માનવીય અભિગમ રજૂ કર્યો હતો.
હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પોલીસનો હેતુ જનતાના ખિસ્સા ખાલી કરવાનો નથી, પરંતુ લોકોના જીવ બચાવવાનો છે. તેમણે સૂચન કર્યું કે હેલ્મેટ ન પહેરનારને દંડ ફટકારવાને બદલે ફૂલ આપીને સમજાવવું, જેથી લોકો સ્વેચ્છાએ સલામતીના નિયમો અપનાવે.
52 લાખની રોકડ પરત, કાર્યક્રમમાં હાસ્યનો માહોલ
ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ છેતરપિંડીના ભોગ બનેલા એક વેપારીને 52 લાખ રૂપિયાની રોકડ પરત સોંપવામાં આવી. રોકડથી ભરેલું બોક્સ ઉપાડવામાં વેપારીને મુશ્કેલી પડતા હર્ષ સંઘવી હસતાં હસતાં બોલ્યા, કે “આ એ જ મહેનતની કમાણી છે, જે આજે ફરી તમારા હાથમાં સલામત રીતે પરત આવી છે.”
આ પ્રસંગે અનેક વેપારીઓની આંખોમાં ભાવુકતા દેખાઈ, કારણ કે કરોડોની હીરા અને રોકડ પરત મળવાથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો.

‘અશ્વિનીકુમારની ધરતી’નો સંદેશ ગુનેગારોને ચેતવણી
પોલીસ સ્ટેશન વિશે વાત કરતાં હર્ષ સંઘવીએ પ્રતીકાત્મક ભાષામાં કહ્યું કે, “કોઈ આરોપી કહેશે કે મને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ, પરંતુ યાદ રાખજો આ ધરતી પર બીજું શું આવેલું છે.” આડકતરી રીતે સ્મશાનનો ઉલ્લેખ કરી તેમણે ગુનેગારોને કડક સંદેશ આપ્યો કે સુરતના વેપારીઓને હેરાન કરનારને કોઈ રીતે છોડવામાં નહીં આવે.
હેલ્મેટ પર રાજકારણ નહીં :હર્ષ સંઘવી (Harsh Sanghavi)
હેલ્મેટ પહેરવાના મુદ્દે સોશિયલ મીડિયા પર જ્ઞાન આપતા ઇન્ફ્લુએન્સર અને રાજકારણીઓને પણ હર્ષ સંઘવીએ આડે હાથ લીધા. તેમણે જણાવ્યું કે, “અકસ્માતમાં લગભગ 90 ટકા મોત હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે. આ દંડનો મુદ્દો નથી, પરંતુ જીવન બચાવવાની જવાબદારી છે.”
અસામાજિક તત્વો માટે પોલીસ સ્ટેશન ભયનું પ્રતીક
હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ સુરત પોલીસને સ્પષ્ટ સૂચના આપી કે વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર કોઈપણ રાજ્યમાં છુપાયો હોય, તેને શોધી કાઢી કાયદાની ઝપટમાં લાવો. તેમણે કહ્યું કે, “પશ્ચિમ બંગાળ હોય કે જમ્મુ-કાશ્મીર, ચીટિંગ કરનારને અહીં ખેંચી લાવો. મારા રાજ્યના લોકોને પરેશાન કરશો તો કડક કાર્યવાહી થશે.” સરદાર પટેલની લોખંડી પ્રતિમા અને તાપી મૈયાના દર્શન સાથે તૈયાર થયેલું આ નવું પોલીસ સ્ટેશન હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે રક્ષાકવચ અને અસામાજિક તત્વો માટે ભયનું પ્રતીક બની ગયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સ અભિયાન નહીં આ સામે જંગ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનું સમાપન
આ પણ વાંચો: ઉદ્યોગપતિઓને ‘વિકસિત ગુજરાત @ 2047’ના વિઝનમાં યોગદાન આપવા હર્ષ સંઘવીનું આહ્વાન
આ પણ વાંચો: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરી

