Jamnagar News: ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) પર્વની ઉજવણી વચ્ચે જામનગરમાં લાડુ ખાવાની અનોખી સ્પર્ધા (Ladoo Eating Competition) યોજાઈ હતી. બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ‘ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગ્ય સ્પર્ધા’નું આ વર્ષે 18મું આયોજન થયું હતું. મહિલા, સિનિયર સિટીઝન, યુવા અને બાળ વિભાગ એમ ચાર કેટેગરીમાં કુલ 44 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
15 મિનિટમાં ખાવાના હતા લાડુ
આ વર્ષની સ્પર્ધામાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ 30 મિનિટનો સમય આપવામાં આવતો હતો, પરંતુ આ વખતે સમય ઘટાડીને માત્ર 15 મિનિટ કરવામાં આવ્યો હતો. સ્પર્ધકો માટે આશરે 100 ગ્રામ વજનના કુલ 250 લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટ્સથી તૈયાર કરાયેલા લાડુ સાથે દાળ પણ પીરસવામાં આવી હતી. સ્પર્ધકોએ કેટલા લાડુ ખાધા તેના આધારે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા.
Ladoo Eating Competition: મહિલા વિભાગમાં જોરદાર ટક્કર
મહિલા વિભાગમાં પદ્મિની ગજેરા અને પ્રેમિલા વોરીયા બંનેએ 15-15 લાડુ ખાઈને બરાબરી કરી હતી. બંનેના સમાન પરિણામ બાદ વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી.ચિઠ્ઠીના પરિણામમાં પદ્મિની ગજેરાને પ્રથમ સ્થાન મળ્યું, જ્યારે પ્રેમિલાબેન વોરીયા બીજા ક્રમે રહ્યા. મીનાબેન તારપરાએ 7 લાડુ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
યુવા ભાઈઓની કેટેગરીમાં પણ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. જગદીશ દવે અને પરેશ વડીયાએ 9-9 લાડુ ખાઈને સમાન સ્કોર કર્યો હતો. અહીં પણ ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવાયો હતો અને જગદીશ દવેને પ્રથમ સ્થાન મળ્યું હતું. અલ્પેશ સોલંકી 8 લાડુ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.
સિનિયર અને બાળ વિભાગમાં કોણ જીત્યું?
સિનિયર સિટીઝન વિભાગમાં ગંભીરિસિંહ વાળાએ 12 લાડુ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શૈલેષ વૈષ્ણવ 9 અને ડો. નિલેશ કાલોલા 5 લાડુ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા.બાળ વિભાગમાં વ્યોમ વ્યાસે 7 લાડુ ખાઈ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. રિશીત આચાર્ય 6 લાડુ સાથે બીજા અને દીપ ખૂંટ 4 લાડુ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.
ત્રણ પેઢીએ એકસાથે લીધો ભાગ
મહિલા વિભાગમાં વિજેતા બનેલા પદ્મિની ગજેરા છેલ્લા 11 વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે. આ વર્ષે તેમના પરિવારની ત્રણ પેઢીએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમની દીકરી અને બાળકો પણ આ અનોખી સ્પર્ધાનો હિસ્સો બન્યા હતા. પદ્મિનીબેને જણાવ્યું કે 15 મિનિટની સમયમર્યાદામાં તેમણે 15 લાડુ ખાધા હતા. તેમના મતે, આજના સમયમાં યુવાનો જંકફૂડ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે ત્યારે શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટ્સથી તૈયાર કરવામાં આવતા પરંપરાગત લાડુ જેવા ખોરાકને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં વિવિધ વયજૂથના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બે વિભાગમાં ટાઈ થતાં ચિઠ્ઠી દ્વારા વિજેતા નક્કી કરાયા હતા.
આ પણ વાંચો: આજે ગણેશ ચતુર્થીનો પાવન અવસર…ચોખાના મોદકથી બાપ્પાને ધરાવો પ્રસાદ…!
આ પણ વાંચો: શું આ વખતે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે? આ મૂંઝવણને કરો દૂર..!
આ પણ વાંચો: ગણેશ ચતુર્થી પર્વે પ્રજાજનોને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
