Gujarat News : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે.
અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી(Rain) ઝાપટાં પડી શકે છે
રાજ્યમાં 6 થી 12 મે દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકો ગરમીમાંથી થોડી રાહત અનુભવી શકશે. જોકે દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ પવનોના કારણે ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આગાહી મુજબ, 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં તીવ્ર આંધી-વંટોળ અને ધૂળની ડમરીઓ ફૂંકાવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી વિઝિબિલિટી ઘટી શકે છે અને ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે. ઉપરાંત, 23 મેના રોજ અચાનક વરસાદ પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
હવામાનની મોટી ચેતવણી રૂપે, મે મહિનાના અંત તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે, જ્યારે 8 જૂન બાદ અરબ સાગર સક્રિય બનતા ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું આકાર લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસા અંગે વાત કરીએ તો અંદાજ મુજબ 18 થી 20 મે વચ્ચે આંદામાન-નિકોબાર વિસ્તારમાં ચોમાસું સક્રિય થશે અને 1 જૂન સુધીમાં દક્ષિણ ભારતમાં પ્રવેશી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, હાલ દેશમાં પ્રી-મોન્સૂન ગતિવિધિઓ વધતી જઈ રહી છે. એલ નીનો અસરને કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેના પરિણામે ક્યારેક કાળઝાળ ગરમી અને ક્યારેક અચાનક વરસાદ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમી, પવન અને વરસાદનો મિશ્ર માહોલ જોવા મળશે, ત્યારે નાગરિકોને સાવચેતી રાખવાની અને હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાતના હવામાનમાં મોટો પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી વટાવશે, આગામી 5 દિવસ આકરી લૂ વાવાની શક્યતા
આ પણ વાંચો:ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અનેક જિલ્લાઓમાં 42-44 ડિગ્રી તાપમાનની આગાહી
